Mysamachar.in-વલસાડ
આપણે ત્યાં એવી કહાવત છે કે બગાસું ખાતા પતાસું મળી જાય….આવી કહેવત રાજ્ય જીએસટી વિભાગની ટીમ માટે હકીકત બની છે, માહિતી કઈક એવી છે કે વાપી નજીક આવેલા બગવાડા ટોલનાકા પર રાજ્ય જીએસટી વિભાગની ટીમ તપાસમાં હતી. ટીમ દ્વારા હાઇવે પરથી પસાર થતાં માલ વાહતુક વાહનોને રોકી તેમાં માલ સામાનની થયેલી હેરાફેરીના e-way બિલની તપાસણી રાબેતામુજબ કરવામાં આવી રહી હતી,
આ વખતે રાજ્ય જીએસટી વિભાગે મુંબઈ તરફથી આવી રહેલી વી ટ્રાન્સ કંપનીના એક કન્ટેનરને રોક્યું હતું અને તેમાં ભરેલા સામાન અંગના બિલ અંગે વિભાગની ટીમે તપાસણી શરુ કરી હતી, કન્ટેનર ચાલક ટીમને તેની પાસે રહેલા જરૂરી કાગળો અને બિલ આપી ત્યાં ઊભો હતો. જોકે ત્યારબાદ મોકો મળતાં જ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. પરંતુ, રાજ્ય જીએસટી વિભાગે હાથ ધરેલી તપાસમાં મળેલા ewaybill નકલી હોવાનું બહાર આવ્યું હતું, અને નકલી ewaybill ના કૌભાંડની આડમા ગેરકાયદેસર સામાનની હેરાફેરી થઈ રહી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું,
અહી સુધી તો ઠીક પણ બગાસું ખાતા પતાસું ત્યારે મળ્યું જ્યારે રાજ્ય જીએસટી વિભાગની ટીમે રોકેલા કન્ટેનરમાં તપાસ કરતાં જે સામાન દેખાયો તે સામાન જોઈને ખુદ આવકવેરા વિભાગની ટીમ પણ ચોંકી ગઈ હતી. કારણ કે, કન્ટેનરમાં ભરેલા સામાનના ewaybillમાં દર્શાવવામાં આવેલી કોઈ વસ્તુ નહીં પરંતુ વિદેશી દારૂની મોટો જથ્થો ભરેલો હતો. આથી રાજ્ય જીએસટી વિભાગની ટીમે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. આથી પારડી પોલીસ પણ સ્થળ પર પહોચી હતી અને પોલીસે આ મામલે સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.કન્ટેનરમાં 23 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને કન્ટેનર મળી 33 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.