Mysamachar.in:અમદાવાદ
અગાઉનાં વર્ષોની માફક આ વર્ષે પણ ચાલુ મહિનામાં ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં, છૂટાછવાયા સ્થળોએ માવઠાનાં એંધાણ વર્તાઈ રહ્યા છે. હાલમાં આકાર લઈ રહેલી લો પ્રેશર અને વરસાદની સિસ્ટમ પણ આ આગાહીને સમર્થન આપે છે. હાલમાં ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં નાનાં મોટાં માવઠાનાં સમાચાર છે જ, જામનગરમાં પણ કાલે બુધવારની રાત્રિથી વાતાવરણમાં હળવો પલટો દેખાઈ રહ્યો છે. આકાશમાં વાદળો ચડી રહ્યા છે. વચ્ચે વચ્ચે લો પ્રેશરના કારણે પવનની ગતિ પણ નોંધપાત્ર પ્રમાણમાં અનુભવવા મળે છે. હવામાન વિભાગ સૌને આગાહ કરી રહ્યો છે. ગુજરાતનાં દરિયાકિનારાના વિસ્તારોમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અસરો વર્તાઈ રહી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જ્યારે જ્યારે લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થાય છે ત્યારે ત્યારે ગુજરાતમાં તેની વધતી ઓછી અસરો જોવા મળે છે. હાલમાં પણ આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હાલમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન ઉપરાંત બંગાળના દક્ષિણ પૂર્વ ભાગમાં ખાડીમાં પણ સિસ્ટમ સક્રિય થવા પામી છે. જેની અસરો ગુજરાતમાં જોવા મળી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે ગુરૂવારે નર્મદા, તાપી, છોટાઉદેપુર અને ડાંગ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. રાજ્યનાં અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશન સિસ્ટમ ડેવલપ થવા પામી છે. અરબી સમુદ્રનું આ ડિપ્રેશન દર છ કલાકે નવ કિલોમીટર આગળ વધી રહ્યું છે, જે ગુજરાતમાં માવઠું સર્જી શકે અથવા છેલ્લી ઘડીએ પાકિસ્તાન તરફ ફંટાઈ શકે છે કેમ કે તેની દિશા ઉત્તર પશ્ચિમ તરફની છે. હાલમાં આ ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ રહ્યું હોય, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 17 મી ડિસેમ્બર સુધી આ સિસ્ટમ સક્રિય રહી શકે છે.