Mysamachar.in-અમદાવાદ:
તહેવારોમાં ખાસ કરીને ફટાકડા સહિતના કારણોસર દીવાળીના તહેવારમાં સૌએ જાગૃતિ દાખવવી જોઈએ અને વિશેષ કાળજી રાખવી જોઈએ, તો જ આગ અને અકસ્માત જેવી બાબતોથી બચી શકાય, એવી સલાહો દર વરસે પ્રગટ થતી રહે છે, આમ છતાં સામાન્ય દિવસોની સરખામણીએ આ દીવાળી પર પણ રાજ્યમાં અમંગળ ઘટનાઓ વધતી રોકી શકવામાં આપણે સૌ સફળ થયા નહીં.
સામાન્ય દિવસોની સરખામણીએ, આ દીવાળી પર પણ વાહન અકસ્માત અને આગ-દાઝી જવાના બનાવો મોટાં પ્રમાણમાં નોંધાયા. આવા બનાવોમાં આવેલો ઉછાળો નોંધપાત્ર રહ્યો. અકસ્માત કેસ 88 ટકા વધી ગયા અને દાઝી જવાના કેસ તો 600 ટકા વધી ગયા. અત્રે ઉલ્લેખનિય છે કે, દાઝી જવાના જે બનાવો નોંધાયા તેમાં 7 થી 24 વર્ષના લોકોની સંખ્યા મોટી રહી.દીવાળી તહેવાર દરમિયાન રાજ્યની 108 ઈમરજન્સી સેવાને 20,164 કોલ થયા. એટલે કે, તહેવારના 4 દિવસ દરમિયાન રોજ 5,041 ઈમરજન્સી કોલ. જે સામાન્ય દિવસોની સરખામણીએ 12 ટકા વધારો દેખાડે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, નૂતન વર્ષ દિવસે પણ અકસ્માત કેસ ઘણાં નોંધાયા. તહેવારના દિવસો દરમિયાન જો કે પ્રસૂતિ કેસ ઘટી ગયેલા. અકસ્માત કેસ ઉપરાંત છરી વડે હુમલો, અન્ય શારીરિક હુમલા, મારામારી તથા દાઝી જવાના કેસ વધી ગયા. તહેવારોમાં મારામારી પણ વધુ થઈ.અકસ્માતની વાત કરીએ તો, ટુ વ્હીલરના અકસ્માતમાં 93 ટકાનો વધારો થયો. થ્રી વ્હીલરના અકસ્માતમાં 61 ટકાનો અને ફોર વ્હીલરના અકસ્માત કેસમાં 62 ટકાનો વધારો થયો તથા ભારે વાહનોના અકસ્માત કેસમાં 99 ટકાનો તોતિંગ વધારો નોંધાયો.