Mysamachar.in:ગુજરાત
જામનગર અને ગુજરાત સહિત દેશભરમાં જેલો ટૂંકી પડી રહી છે, જેલોની ક્ષમતા કરતાં કેદીઓની સંખ્યા ખૂબ જ વધુ છે. આથી જેલોમાં, ખાસ કરીને કાચા કામના કેદીઓની સંખ્યા ઘટાડવી જરૂરી બન્યું છે. આ માટે સરકાર વિવિધ ઉપાયો વિચારી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ કવાયતના ભાગરૂપે એક ખાસ યોજના જાહેર કરવામાં આવી છે. કેદીઓ જેલની બહાર આવી શકે તે માટે – સરકાર નાણાંકીય મદદ પણ કરશે.
જે કેદીઓ ગરીબ છે, દંડની રકમ ચૂકવી શકતાં નથી અથવા જામીન મુક્તિ માટે જરૂરી લઘુત્તમ ખર્ચ કરી શકતાં નથી તેવાં કેદીઓ જેલની બહાર આવી શકે તે માટે સરકાર નાણાંકીય મદદ પૂરી પાડશે. આ પ્રકારની એક સ્કીમ અમલમાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. મંત્રાલય કહે છે: સામાન્ય રીતે આર્થિક અને સામાજિક પછાત તથા શૈક્ષણિક રીતે જેઓ પછાત છે તેવાં કેદીઓ આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
સરકારની સત્તાવાર જાહેરાત કહે છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનાં માર્ગદર્શન પ્રમાણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ યોજનાની જાહેરાત કરી છે. સરકારે કહ્યું છે : આ માટે તમામ સ્ટેક હોલ્ડરો સાથે વાતચીત કરવામાં આવશે. અને આ માટે, કેન્દ્ર સરકાર રાજ્યોને નાણાંકીય સહાય આપશે. સરકારે વધુમાં કહ્યું કે, આ યોજનાનો લાભ વધુને વધુ ગરીબ કેદીઓ સુધી પહોંચાડવા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે અને સમગ્ર યોજનાને મજબૂતી આપવામાં આવશે. આ માટે ઈ- પ્રિઝન્સ પ્લેટફોર્મ અમલમાં આવશે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને વધુ મજબૂત અને વ્યાપક બનાવવામાં આવશે. અને દરેક જરૂરિયાતમંદ ગરીબ કેદી સુધી આ લાભો પહોંચાડવા સમગ્ર વ્યવસ્થા-મિકેનિઝમ સુનિશ્ચિત કરવામાં આવશે.






