Mysamachar.in-અમદાવાદ
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 3 યુવકોની ધરપકડ કરી છે જે એક યુવકનો બીભત્સ વિડીયો બનાવી બ્લેક મેઈલ કરી રહ્યા હતા. ત્રણેય આરોપીઓ બેરોજગાર હોવાથી આ કારસ્તાન કર્યાનું સામે આવ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ શેખ, મોહમ્મદ સૈફ કુરેશી અને અહાન પઠાણ નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ ગેંગ બનાવી બ્લેકમેલિંગનું કારસ્તાન કરી રહ્યા હતા. જેમાં એક યુવક સાથે વાતચીત કરી તેને ખાનગી જગ્યાએ બોલાવી બીભત્સ વીડિયો બનાવીને ₹1.10 લાખ પડાવી લીધા હોવાનું સામે આવતા યુવકની ફરિયાદ સાયબર ક્રાઇમે નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.
બ્લેકમેલીંગનો ભોગ બનનાર યુવકને કેનેડા જવાનું હોવાનું જાણી આરોપીઓએ પણ કેનેડા જવાનું હોવાની વાત કરી પોતાની જાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીને એક જગ્યાએ બોલાવી તેને બ્લેક મેઈલ કરવા વીડિયો ઉતારી લીધો હતો. આ કિસ્સામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આરોપીઓ ડ્રગ્સના બંધાણી હોવાથી આ કારસ્તાન કર્યું હોવાનું જણાવે છે, આ પૂર્વે પણ આ શખ્સો એ આવા કોઈ ગુન્હાઓ આચર્યા છે કેમ તે દિશામાં પણ તપાસ ને ગતિ આપી છે.