Mysamachar.in-જામનગર:
પીજીવીસીએલ આમ તો બહુ પ્રતિષ્ઠિત વિભાગ નથી, અનેક પ્રકારની અનિયમિતતાઓ, ગેરરીતિઓ અને કુંડાળાઓ આ સરકારી વિભાગમાં પણ ચાલતાં રહે છે, એમાં વચ્ચે વચ્ચે આ તંત્ર કેટલીક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની જાહેરાતો પણ ધૂમધડાકાભેર કરતું રહે છે. પરંતુ પછી આવી જાહેરાતોના સૂરસૂરિયા પણ થતાં રહે છે- દાખલા તરીકે સ્માર્ટ વીજમીટર અને અન્ડરગ્રાઉન્ડ વાયરીંગ.
અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષો અગાઉ જામનગર વીજતંત્રએ જાહેરાત કરેલી કે, આખા શહેરમાં વીજવાયરો અન્ડર ગ્રાઉન્ડ કરી દેવામાં આવશે, વીજસેવા સુધરશે. આ જાહેરાત પછી થોડુંક કામ પણ કરવામાં આવ્યું. લાલબંગલા થી જીજી હોસ્પિટલ માર્ગ પર કેટલુંક કામ થયું પણ બાદમાં આ પ્રોજેક્ટ અને કામગીરીઓ અભેરાઈ પર મૂકી દેવામાં આવી. આ જ રીતે સ્માર્ટ વીજમીટરની પણ દોડધામ થઈ, વિવાદો થયા, મીઠડી વાતો થઈ પછી હવે, લાંબા સમયથી સ્માર્ટ વીજમીટર અંગે સૌ મૌન. રાજકોટમાં પણ આ જ સ્થિતિઓ. ત્યાં તો વીજતંત્રની કોર્પોરેટ કચેરી છે, તો પણ.
હવે નવેસરથી રાજકોટ ખાતે અન્ડર ગ્રાઉન્ડ વીજલાઈન માટેની વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી. અબજો રૂપિયાના કામનો પ્રારંભ પણ થયો. આ જ તર્જ પર જામનગરમાં પણ અન્ડર ગ્રાઉન્ડ વાયરીંગ માટેની ગતિવિધિઓ ધીમા પગલે શરૂ થઈ હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે.
જામનગર શહેરમાં અન્ડર ગ્રાઉન્ડ વાયરીંગ માટે વધુ એક વખત સર્વે થઈ ચૂક્યો છે. સમીક્ષાઓ પણ થઈ ગઈ. તેનાથી આગળની પ્રોસેસ થઈ રહી છે, એજન્સીની ‘ગોઠવણ’ ચાલુ છે, આગામી 3-4 મહિનામાં રાજકોટ તર્જ પર ટેન્ડર પ્રક્રિયાઓ પણ ચાલુ થશે. અને બાદમાં જમીની સ્તર પર કામગીરીઓ હાથ ધરવામાં આવશે. સૂત્ર જણાવે છે, આગામી નાણાંકીય વર્ષ એટલે કે, આગામી એપ્રિલ કે એપ્રિલ બાદ જામનગરમાં આ કામગીરીઓ માટેની ગતિવિધિઓ તેજ બનશે. આશા રાખીએ, ગત્ વખત માફક આ વખતે કામગીરીઓ શરૂ થઈ ગયા બાદ, ઠપ્પ ન થઈ જાય. જામનગર અને દ્વારકા જિલ્લાઓ દરિયાઈ વિસ્તાર ધરાવતા હોય ખરેખર તો સારી વીજસેવા માટે આ કામગીરીઓ યુદ્ધના ધોરણે થવી જોઈએ, જે જાહેરાતો બાદ પણ વર્ષોથી આગળ વધી શકી નથી. નવા વર્ષે નવેસરથી આ ભૂત ફરી ધૂણી શકે છે.