Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાળિયા શહેરમાં હાલ નાની-મોટી તથા અણઘડ અને ખુલ્લી ગટરો દુર્ગંધ તથા ગંદકીનું ઘર બની રહી છે. ત્યારે શહેરમાં આશરે એક દાયકા પૂર્વે બનાવવામાં આવેલી ભૂગર્ભ ગટર યોજના કે જેનું ટેસ્ટિંગ પણ થયું નથી, તેથી સંપૂર્ણ પણે આ યોજના હાલ બિનઉપયોગી સાબિત થઈ રહી છે. ત્યારે શહેરમાં ભુગર્ભ ગટર યોજના ચાલુ થાય તે માટે પાલિકાના સતાવાહકો દ્વારા મુખ્યમંત્રી, ધારાસભ્ય તથા પ્રભારી મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ખંભાળિયા શહેરમાં વર્ષો પૂર્વે આશરે રૂપિયા 42 કરોડના ખર્ચે ભુગર્ભ ગટર યોજના મંજુર કરવામાં આવી હતી. આ યોજનાનું કામ એક ખાનગી કંપનીને આપવામાં આવ્યા બાદ આ કામગીરી બીજા, ત્રીજા કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતા આ કામ અત્યંત નબળું થવા પામ્યું હતું. નગરપાલિકા દ્વારા આ યોજના અંગે જો ટેસ્ટિંગ કરી અને સંપૂર્ણપણે ચાલુ હોય તો જ સંભાળવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. પરંતુ યોજનાનું ટેસ્ટિંગ ન થતાં હાલ નગરપાલિકાએ આ ભૂગર્ભ ગટર યોજના સંભાળી નથી.
શહેરમાં આ યોજના પૂર્ણ થયાને વર્ષો વીતી ગયા પછી પણ ઠેક-ઠેકાણે આ કામ અધૂરું હોવાનું કહેવાય છે. શહેરમાં અનેક આસામીઓએ આ ભુગર્ભ ગટરમાં પોતાના ઘરના જોઈન્ટ મારી દીધા હોય, આ ગટર ગમે ત્યાં છલકાય છે. આ બાબતે તાજેતરમાં પાલિકાના રિજીયોનલ કમિશનર વ્યાસને રજૂઆત કરતા તેમણે ખંભાળિયા નગરપાલિકા ખાતે સત્તાવાહકો તથા પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી.
જેમાં નગરપાલિકા દ્વારા જો ઝોન વાઇઝ ગટર ચાલુ છે તેવું કોન્ટ્રાક્ટરો દ્વારા ટેસ્ટિંગ સફળ રીતે કરવામાં આવે તો નગરપાલિકાએ આ યોજના સંભાળવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ પાણી પુરવઠા તંત્ર દ્વારા આ બાબતે આગળ કોઈ કામગીરી કરવામાં ન આવતા નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા તથા કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય દ્વારા આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ખંભાળિયાના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને પાણી પુરવઠા બોર્ડના અધ્યક્ષને આ બાબતે યોગ્ય કરવા રજૂઆત કરી છે.
રૂપિયા 42 કરોડના તોતિંગ ખર્ચે બનેલી આ ગટર યોજનાના પૈસા હાલ પાણીમાં ગયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. શહેરમાં અનેકસ્થળોએ ગટરો વારંવાર છલકાતી હોવાથી વાહન ચાલકો તથા રાહદારીઓને ભયંકર ગંદકી સાથે દુર્ગંધનો સામનો કરવો પડે છે. જે મુદ્દે તાકીદે પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ છે.રાજ્યમાં 152 જેટલી નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના વર્ષ 2018 માં શરૂ થઈ ગઈ છે. મોટાભાગની નગરપાલિકામાં કામ પૂર્ણ થઈ જતા આ યોજના કાર્યાન્વિત થઈ ચૂકી છે. ત્યારે અહીં કામ પણ અધુરું છે અને ગંદા પાણીના નિકાલનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન પણ હજુ થયો નથી.આમ, શહેરમાં ભુગર્ભ ગટર યોજના ક્યાંય નથી ચાલુ. છતાં પણ અગાઉ ચાલુ છે તેમ કહીને નગરપાલિકાને સોંપવાના પ્રયાસો થયા હતા.