Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા વર્ષો અને દાયકાઓથી કેટલાંક લોકો માટે ‘વારસાગત જાગીર’ બની ગઈ છે, બેફામ લૂંટ ચાલી રહી છે. એવું નથી કે, આ અંગે સૌ અજાણ છે પરંતુ સૌ સંબંધિતોને પોતાનો ‘ભાગ’ મળી રહ્યો હોય આ પ્રકારની જાગીરદારી ધમધમી રહી છે અને કરદાતા નગરજનોના નાણાંની ‘ઉઘાડી’ લૂંટ સંબંધે સૌ મૌન જાળવી રહ્યા છે.
જામનગર મહાનગરપાલિકામાં સેંકડો કર્મચારીઓ અને અધિકારીઓ એવા છે જેમને કરાર આધારિત કર્મચારીઓ તરીકે મહાનગરપાલિકામાં ઘૂસાડી દેવામાં આવ્યા છે અને આજની તારીખે આ મેલી પ્રોસેસ ચાલુ છે. ખાનગી એજન્સીઓના કર્મચારીઓ તરીકે મહાનગરપાલિકામાં ‘નોકરી’ ગોઠવવાનું પ્રકરણ ઘણાં સમયથી ચાલી રહ્યું છે. જેમાં બેફામ પરિવારવાદ ચલાવવામાં આવી રહ્યો છે. જે અધિકારીઓ અને કર્મચારીઓ નિવૃત થઈ ગયા છે તે અને જે અધિકારીઓ કે કર્મચારીઓ નિવૃત થવાની તૈયારીઓમાં છે તેઓ પોતાના ભાઈ, ભત્રીજા, ભત્રીજી, સાળા, દીકરા કે દીકરી અને દૂરના સગાના સંતાનો અથવા લાગતા વળગતાંઓના સંતાનોને કોર્પોરેશનમાં ‘નોકરી’ ની વ્યવસ્થાઓ કરી આપી રહ્યા છે.
કરાર આધારિત કર્મચારીઓના ટેગ હેઠળ ‘જાગીરદારી’ કાયમ જાળવી રાખવામાં આવી રહી છે. જાગીરદારી એવી ચીજ છે જેની મદદથી તમે ભૂતકાળમાં મળતાં ફાયદાઓ અને ગેરલાભો આજે અને ભવિષ્યમાં પણ મેળવતા રહી શકો છો. આ લાલચ મોટી બલા છે, જેને કારણે કરાર આધારિત નોકરીઓનો કોર્પોરેશનમાં રાફડો ફાટયો છે.
ઘરે બેઠાં સેંકડો લોકો વહેતી ‘ગંગા’ માં સ્નાનનું પૂણ્ય પ્રાપ્ત કરી રહ્યા છે. સ્ટાફની પસંદગીની આ પ્રક્રિયાઓ ખરેખર તો પારદર્શક બનવી જોઈએ તો જ શહેરના ‘લાયક’ બેરોજગાર યુવકો અને યુવતિઓની જિંદગીઓમાં રોજગારીનો પ્રકાશ ફેલાઈ શકે અને તેથી મહાનગરપાલિકાને યોગ્ય કર્મચારીઓ મળી શકે અને મહાનગરપાલિકાનું તંત્ર થોડાઘણાં અંશે સુધારાઓ તરફ આગળ વધી શકે.
મહાનગરપાલિકામાં ચાવીરૂપ જગ્યાઓ પર બેઠેલાં કેટલાંક અધિકારીઓ, કર્મચારીઓ અને ‘સેવકો’ સહિતના ઘણાં લોકો મહાનગરપાલિકાના આ બેફામ પરિવારવાદના મીઠાં ફળો સરાજાહેર આરોગી રહ્યા છે, તેમના આ કાવતરાંઓને મહાનગરપાલિકા ધારે તો અટકાવી શકે પણ આ ગોઠવણો અટકવાનું નામ લેતી નથી- આ દૂષણ સૌને પસંદ છે ? ગમતીલું છે ? કે, હવે પછીના સમયમાં આવી ‘ગોઠવણો’ને કોઈ સ્તરેથી બ્રેક લાગશે ? એવો પ્રશ્ન જાણકારોમાં તીવ્ર રીતે ચર્ચાઈ રહ્યો છે. બિલાડીને ગળે ઘંટ બાંધવા કોણ આગળ આવે છે, એ આગામી દિવસોમાં ખબર પડી જશે અથવા બધું આમ જ ચાલતું રહેશે !!