Mysamachar.in-સુરત
સામાન્ય બાબતમાં આજના યુવાઓ પોતાની સુઝબુઝ ક્ષણિક ગુમાવી બેસે છે અને બાદમાં પસ્તાવાનો વારો આવે છે, સુરતના વરાછામાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં કરિયાણાની દુકાન ચલાવતા એક વેપારી યુવકની બે ઈસમે ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. 50 રૂપિયાની ફાટેલી નોટ લઈને બે ઈસમો સોડા લેવા આવ્યા હતા, પરંતુ ફાટેલી નોટ નહિ લેતાં ઉશ્કેરાયેલા બંને ઈસમોએ દુકાનદારને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી.
સુરતના વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર પાટિચાલ આવેલી છે. જ્યાં 28 વર્ષીય અમરદીપ નામનો યુવાન કરિયાણાની દુકાન ચલાવતો હતો. ગતરોજ તે દુકાન પર હતો ત્યારે બે ઈસમ ત્યાં આવ્યા હતા અને 50 રૂપિયાની ફાટેલી નોટ આપી સોડા માગી હતી. જોકે નોટ ફાટેલી હોવાથી દુકાનદાર અમરદીપે સોડા આપી ન હતી, જેથી રોષે ભરાયેલા બંને ઈસમોએ ઝઘડો શરુ કર્યો હતો. ત્યાર બાદ અમરદીપને પેટ અને છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત દુકાનદારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ બનાવની જાણ થતાં વરાછા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અમરદીપના ભાઈની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા શાહરુખ શાકીર શેખ, જુબેર શાકીર શેખને ઝડપી પાડ્યા હતા. બીજી તરફ, મૃતક અમરદીપનાં પરિવારજનોએ આરોપીને કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે એવી માગ કરી હતી.અને આસપાસના સ્થાનિકો સહિતના વેપારીઓમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે.