Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર માર્કેટિંગ યાર્ડની બાજુમાં આવેલી એક હોટલમાં રાત્રિના આશરે બારેક વાગ્યાના સમયે બે અજાણી યુવતી તેમજ એક યુવાન વચ્ચે કોઈ કારણોસર માથાકૂટ થઈ હતી. આ પછી અહીં હોટેલ સંચાલકને એક શખ્સ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસમાં નોંધાયો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં વિનાયક સોસાયટી વિસ્તારમાં રહેતા અને દ્વારકા હાઈવે પર આવેલા માર્કેટિંગ યાર્ડ નજીક મઢુલી હોટેલ ધરાવતા મહેશ ઉર્ફે મયુરભાઈ લખમણભાઈ બેલા નામના યુવાન શનિવારે રાત્રિના આશરે સાડા 11 વાગ્યાના સમયે તેમની મઢુલી હોટલમાં હતા, ત્યારે જી.જે. 10 બી.જે. 8619 નંબરની એક મોટરકારમાં એક યુવાન તેમજ બે અજાણી યુવતી આવ્યા હતા. અહીં આ ત્રણેય વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં અંદરોઅંદર ગાળાગાળી તેમજ મારામારી થવા લાગી હતી.
આ પરિસ્થિતિ જોતા હોટેલ માલિક મહેશ ઉર્ફે મયુરભાઈએ તેઓને સમજાવી અને અહીંથી રવાના કર્યા હતા. આ પછી રાત્રિના આશરે 12 વાગ્યાના સમયે ચોક્કસ મોબાઈલ નંબર ધરાવતો યુવાન તેમજ બે અજાણી યુવતીઓએ હોટલ પર આવી અને હોટેલના દરવાજા પાસે ઉભેલા મહેશ ઉર્ફે મયુરભાઈને અજાણી યુવતીઓએ કહ્યું હતું કે જમવાનું કેમ આપતો નથી? જેથી મયુરભાઈએ કહ્યું હતું કે તમે અહીં હોટલ પર આવીને ઝઘડો કરો છો. જેથી અમારે બીજા ગ્રાહકો આવે નહીં. તેમ કહેતા બંને યુવતીઓ ઉશ્કેરાઈ ગઈ હતી અને તેમને બીભત્સ ગાળો આપવા લાગી હતી. પરંતુ મયુરભાઈ કાંઈ બોલ્યા ન હતા.
આટલામાં કારમાં બેઠેલા એક યુવકે તેમની પાસે આવી અને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. આટલું કહીને ત્રણેય લોકો તેઓને કારમાં જામનગર તરફ ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ આ અજાણ્યા યુવાને તેના મોબાઈલ ફોન પરથી પોતે કેસુરભાઈ જોગલ હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર ઘટના હોટલના સીસી ટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ બનાવ અંગે મહેશ ઉર્ફે મયુરભાઈ બેલાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે કેશુર જોગલ તેમજ બે અજાણી યુવતી સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, બંને અજાણી યુવતી તેમજ યુવકને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.(ફોટો:- કુંજન રાડિયા)