Mysamachar.in-સુરતઃ
મોબાઇલ ટેક્નોલોજીના ક્ષેત્રે દરરોજ નવી નવી શોધ થતી રહે છે, જો કે એક શોધ એવી કરવામાં આવી જેનાથી તમારી બેટરી ચાર્જ કરવાની ઝંઝટમાંથી થોડી રાહત થશે, નવું ઇનોવેશનલ કોઇ મોબાઇલ કંપનીએ નહીં પરંતુ સુરતના બે યુવા એન્જિનિયર્સે કરી છે. જેમાં હવે તમે મોબાઇલથી મોબાઇલ ચાર્જ કરી શકશો, બંને યુવા એન્જિનિયર્સે એક એવો ડેટા કેબલ બનાવ્યો છે જેની મદદથી અન્ય મોબાઇલ ચાર્જિંગ, બ્લુટુથ, ઇયર પ્લગ, સ્માર્ટ વોચ કે અન્ય ગેજેટ પણ ચાર્જ કરી શકશો.
સુરતના રહેવાસી એવા અક્ષર વસ્ત્રપરા અને કશ્યપ સોજીત્રા એન્જિનિયર્સ છે, બંનેએ પોતાની આવડતનો ઉપયોગ કરી એક ડેટા કેબલ બનાવ્યો, આ ડેટા કેબલની મદદથી તમે અન્ય મોબાઇલ સાથે કનેક્ટ કરી તમારો મોબાઇલ ચાર્જ કરી શકો છો. હાલ જે ડેટા કેબલ માર્કેટમાં ઉપલબ્ધ છે, તેનાથી માત્ર કોમ્પ્યુટર સાથે કનેક્ટર કરી ચાર્જ કરી શકાય છે, પરંતુ આ નવા ડેટા કેબલથી અન્ય મોબાઇલ પણ ચાર્જ કરી શકાશે, આ કેબલની કિંમત હાલ 149 રૂપિયા રાખવામાં આવી છે, જે સુરતના માર્કેટમાં ઉપલબ્ધ છે, ટૂંક સમયમાં તે અન્ય જિલ્લાઓમાં મળી શકશે. બંને યુવા એન્જિનિયર્સે તૈયાર કરેલા આ ડેટા કેબલનો ડેટા ટ્રાન્સફરમાં પણ ઉપયોગ કરી શકાશે એટલે કે ડેટા કેબલથી તમારા તમામ કામ થઇ શકશે જે તમે કોમ્પ્યુટરમાંથી મોબાઇલ સાથે કરતાં હોવ છો.