Mysamachar.in-કચ્છઃ
જામનગર સહિત રાજ્યભરમાં બાળકોના અપહરણની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે સાવધાની રાખવાથી આવી ઘટનાથી બચી શકાય છે. કચ્છના ગાંધીધામમાં બાળકોનું અપહરણ કરે તે પહેલા જ બે મહિલા ભીક્ષુકોને પકડી પોલીસ હવાલે કરવામાં આવી છે. ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં ભગવાનના ફોટો હાથમાં લઇ બે મહિલા ભીક્ષુકો આવી હતી, બંને મહિલાઓએ શેરીની બહાર છ વર્ષની બાળકી રમતી હતી જેને મંદિરે લઇ જવાનું કહ્યું. જો કે આ દરમિયાન સોસાયટીમાં રહેતી મહિલાએ બંને મહિલાને અટકાવી હતી અને બાળકીને મંદિરે કેમ લઇ જવી છે તેમ પુછ્યું હતું. કાંઇ જવાબ ન હોવાથી બંને મહિલા ભીક્ષુકો ભાગવા લાગી હતી, જો કે આ દરમિયાન સોસાયટીના અન્ય લોકો એકત્રીત થઇ ગયા અને મહિલાઓને પકડી લીધી હતી. બાદમાં બંને પુછપરછ કરતાં તેણીએ જણાવ્યું કે તેઓ રાધનપુરથી આવી છે. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. બાદમાં ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ આવી પહોંચી અને બંને મહિલાનો હવાલો સંભાળી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી. અહીં બંને મહિલા ભીક્ષુકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.