Mysamachar.in-અમદાવાદ:
એક ફૂલ દો માલી નામની હિન્દી ફિલ્મ હીટ રહી હતી, ગીતો પણ સુંદર હતાં. પરંતુ દો ફૂલ અને એક માલી- ની આ કહાની એથી પણ રસપ્રદ છે. ગુજરાત હાઇકોર્ટમાં એક અ-સાધારણ કાનૂની જંગ ચાલી રહ્યો છે. એક મહિલાએ વડી અદાલતમાં એવો દાવો કર્યો છે કે, અવસાન પામેલાં, રેલ્વે પ્રોટેક્શન ફોર્સના એક અધિકારીની તેણી બીજી પત્ની છે. 46 વર્ષની આ મહિલા કહે છે, મારાં મૃત પતિનું પેન્શન મારાં પતિની પ્રથમ પત્નીને નહીં, મને મળવું જોઈએ. કારણ કે, મારાં પતિએ 22 વર્ષ અગાઉ તે મહિલાને પોતાની જિંદગીમાંથી રૂખસદ આપી દીધી હતી. મૃતકની વિધવા હું છું.
અમદાવાદમાં રહેતી 46 વર્ષીય આ મહિલાનો દાવો એવો છે કે, તેણીએ આ ઈન્સ્પેક્ટર સાથે 2001માં લગ્ન કર્યા હતાં. અને, એ અગાઉ આ ઈન્સ્પેક્ટર 2000ની સાલમાં પોતાની પ્રથમ પત્નીથી અલગ થઈ ગયા હતાં. આ ઈન્સ્પેક્ટરનું મૃત્યુ 2022માં થયું. બાદમાં આ મહિલાએ પેન્શન મેળવવા RPF કચેરીની મુલાકાત લીધી. ત્યારે તેણીને ખ્યાલ આવ્યો કે, મૃત પતિના કાગળોમાં નોમિની તરીકે અગાઉની પત્નીનું નામ છે. બાદમાં આ 46 વર્ષીય મહિલાએ સરકારમાં આધારકાર્ડ અને PAN કાર્ડ રજૂ કરી દાવો કર્યો કે, મૃતકની પત્ની પોતે જ છે. અને તેથી વિધવા પેન્શન તેણીને જ મળવું જોઈએ.
બધી જ વિગતોની જાણકારીઓ બાદ વડી અદાલતે આ મામલે RPFના રેલ્વે ડિવિઝનના સિનિયર સિકયોરિટી કમિશનરને નોટિસ મોકલાવી. જેની સુનાવણી 14 માર્ચે છે. મૃતક ઈન્સ્પેક્ટર છેલ્લાં કેટલાંક વર્ષોથી આ 46 વર્ષીય મહિલા(જે બીજી પત્ની હોવાનો દાવો કરે છે)ને રેલ્વે ક્વાર્ટરમાં રહેતાં પાડોશીઓમાં અને પોતાના પરિવારજનોમાં બધે જ, પત્ની તરીકે જાહેરમાં સાથે જ રાખતાં હતાં.
આ મહિલાના વકીલે હાઈકોર્ટમાં જણાવ્યું છે કે, તેણી ફેમિલી પેન્શન મેળવવા હક્કદાર છે. રેલ્વે સર્વિસ ( પેન્શન) રૂલ્સ પણ આમ કહે છે. કારણ કે, આ રૂલ્સમાં સેકન્ડ મેરેજના કેસમાં પેન્શન મેળવવા સંબંધે કોઈ પ્રતિબંધ નથી. આ માંગ કાયદા સાથે અનુરૂપ છે. આ કેસમાં પ્રથમ પત્નીએ શું સ્ટેન્ડ લીધું છે, એ વિગતો હાલ બહાર આવી નથી.
(દર્શાવેલ તસ્વીર કાલ્પનિક છે)