Mysamachar.in-કચ્છ:
મુંબઈના બાંદરા પરાંમાં ગેલેકસી એપાર્ટમેન્ટમાં રહેતાં બોલિવૂડ અભિનેતા સલમાનખાનના ઘર પર ગત્ રવિવારે ગોળીબાર થયો હતો એવું જાહેર થયા બાદ મુંબઈ પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી. આ ગોળીબાર પ્રકરણના બે આરોપીઓ ગુજરાતમાં કચ્છ પંથકમાંથી ઝડપાઈ ગયા હોવાનું કચ્છ પોલીસે જાહેર કર્યું છે.
પશ્ચિમ કચ્છ પોલીસે જાહેર કર્યું છે કે, કચ્છ પોલીસ નખત્રાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે, મુંબઈ પોલીસે ભૂજ LCBને કેટલીક માહિતીઓ આપી હતી. આ માહિતીઓ અનુસાર, સલમાનના ઘર પર ફાયરિંગ કરનાર બે શખ્સો કચ્છ જિલ્લામાં કયાંય હોવાની શકયતાઓ છે. આ માહિતીના આધારે ટેક્નિકલ વર્ક આઉટ અને ખાનગી બાતમીદારો પાસેથી મળેલી બાતમીના આધારે, કચ્છ પોલીસે આ બે શખ્સોને માતાના મઢ પરિસરમાંથી શોધી કાઢ્યા છે.
આ બે શખ્સો પૈકી એક 24 વર્ષનો છે જેનું નામ વિકી સાહેબસાબ ગુપ્તા છે. બીજા 21 વર્ષના શખ્સનું નામ સાગર શ્રીજોગેન્દ્ર પાલ છે. બન્ને શખ્સ બિહારના પશ્ચિમ ચંપારણ વિસ્તારના છે. આ શખ્સોએ પૂછપરછ દરમિયાન આ ગુનાની કબૂલાત આપી છે. બંનેને બાદમાં દયાપર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતાં અને કાયદેસરની કાર્યવાહીઓ બાદ આ બંને શખ્સોની સોંપણી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને કરી દેવામાં આવી છે. પશ્ચિમ કચ્છ-ભૂજના પી.આઇ. એસ.એન.ચુડાસમાના માર્ગદર્શન મુજબ આ તમામ કાર્યવાહીઓ લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવી હતી.
દરમિયાન, મુંબઈનો રિપોર્ટ જણાવે છે કે, સ્થાનિક પોલીસે કાલુ ઉર્ફે વિશાલ રાહુલ નામના ગુરૂગ્રામના એક શખ્સને ઓળખી કાઢયો છે. આ શખ્સ વિરુદ્ધ વાહનચોરી સહિતના 50થી વધુ ગુના નોંધાયેલા છે. થોડાં દિવસ અગાઉ આ શખ્સે હરિયાણામાં એક બુકીની હત્યા લોરેન્સ બિશનોઈ ગેંગના ઈશારે કરેલી.
સલમાનના ઘર પર થયેલા ગોળીબારની ઘટનાના CCTV ફૂટેજ જાહેર થયા છે. જેમાં કાલુ નામનો આ શખ્સ દેખાઈ રહ્યો છે. કાલુ નામનો આ શખ્સ રાજસ્થાનના કુખ્યાત ગુંડા રોહિત ગોદરાનો શૂટર છે. રોહિત બિશનોઈના કેટલાંક કામો સંભાળે છે. હાલમાં હરિયાણા અને મુંબઈ પોલીસ કાલુને શોધી રહી છે.