Mysamachar.in-અંબાજીઃ
સમાજમાં શિક્ષકોનું સ્થાન ટોચનું ગણવામાં આવે છે, માતા પછી શિક્ષકની પૂજા કરવામાં આવે છે, પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે શિક્ષકના કામને લાંછન લગાવી દીધો છે. અંબાજીમાં ખાનગી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતી અંધ છાત્રા પર બે પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોએ બે મહિના સુધી દુષ્કર્મ આચર્યું. સમગ્ર મામલે અંબાજી પોલીસ સ્ટેશનમાં શિક્ષકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી, જો કે તપાસ માટે પોલીસ ટીમ પહોંચે એ પહેલા જ બંને નરાધમ શિક્ષકો ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
અંબાજીના કુંભારિયા નજીક આવેલી નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયમાં રાધનપુરની 15 વર્ષિય યુવતી અભ્યાસ કરતી હતી. અહીં તે હોસ્ટેલમાં જ રહીને અભ્યાસ કરતી હતી, અહીં શિક્ષક તરીફે ફરજ બજાવતા જયંતિ વિરચંદ ઠાકોર અને ચમન મૂળાજી ઠાકોરે સગીરા સાથે સંગીતરૂમમાં લઇ જઇ હવસ સંતોષી હતી. સમગ્ર ઘટના અંગે શાળાના અન્ય શિક્ષકોને આ અંગે ફરિયાદ પણ કરી જો કે કોઇ પગલા ન લેવાતા નરાધમ શિક્ષકો દ્વારા બે મહિના સુધી દુષ્કર્મ આચર્યું. બાદમાં શાળા સંચાલકો દ્વારા દિવાળીનું વેકેશન પડતાં સગીરાને ઘરે લઇ જવા પરિવારને જણાવ્યું. તહેવારમાં પરિવારજનો સગીરાને ઘરે લઇ આવ્યા.
દિવાળીનું વેકેશન પૂર્ણ થતા પરિવારજનોએ સગીરાને સ્કૂલે લઇ જવાનું કહ્યું, જો કે સગીરાએ સ્કૂલે જવાની ના પાડી, પરિવારજનોએ દીકરીને પ્રેમથી સમજાવતા સ્કૂલે ન જવાનું કારણ પુછ્યું, અંતે સગીરાએ તેની સાથે સ્કૂલમાં ખેલાઇ રહેલા હવસના ખેલ અંગે વિગતે વાત કરી. પોતાની દીકરીની વાત સાંભળી પરિવારજનોના પગ તળેથી જમીન ખસી ગઇ. બાદમાં પરિવારજનોએ અંબાજી પોલીસ સ્ટેશનમાં જયંતિ ઠાકોર અને ચમન ઠાકોર વિરુદ્ધ અંબાજી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. આ દરમિયાન બહાર આવ્યું કે દુષ્કર્મ આચરના બંને નરાધમ શિક્ષકમાંથી એક ચમન ઠાકોર નિવૃત શિક્ષક છે. ચમન નિવૃતિ બાદ આ શાળામાં સંગીત શિક્ષક તરીકે જોડાયો હતો.