Mysamachar.in-રાજકોટ:
જામનગરના સંખ્યાબંધ અસામાજિક તત્વો ડ્રગ્સના કાળા કારોબાર સાથે સંકળાયેલા છે જેનો એક અર્થ એવો થઈ શકે કે, જામનગરમાં નશાખોરોની સંખ્યા પણ કાફી છે અને આ ધંધામાં આટલી સ્પર્ધા છતાં કમાણી સારી હોવાનું સમજાઈ રહ્યું છે. જામનગરના વધુ બે શખ્સો ડ્રગ્સની હેરાફેરીમાં ઝડપાઈ ગયા છે. જામનગરમાં બેડી અને વાઘેરવાડા વિસ્તાર માફક ગુલાબનગર વિસ્તારનું નામ પણ ડ્રગ્સની હેરાફેરીમાં વારંવાર ઉછળી રહ્યું છે. વધુ એક વખત ગુલાબનગરના બે શખ્સો ડ્રગ્સની હેરાફેરીમાં રાજકોટમાં ઝડપાઈ ગયા છે.
રાજકોટ પોલીસે જાહેર કર્યું છે કે, કુવાડવા રોડ પર જકાતનાકા નજીકથી ઝડપાયેલા આ શખ્સો મુંબઈથી ડ્રગ્સ લાવ્યા છે એવી કેફિયત આરોપીઓએ આપી છે. આ શખ્સો પાસેથી ઝડપાયેલા ડ્રગ્સની કિંમત રૂ. 75,000 જાહેર કરવામાં આવી છે. ડ્રગ્સ મેફેડ્રોન છે. આરોપીઓના નામ શાહરૂખ જામ(સંજરી ચોક, ગુલાબનગર, જામનગર) અને રાહુલ ગોસાઈ (રામવાડી, ગુલાબનગર, જામનગર) છે. આ શખ્સો પાસેથી 3 મોબાઇલ ફોન પણ કબજે લેવામાં આવ્યા છે. શાહરૂખ ડ્રાયવર છે અને રાહુલ વાહન લે-વેચનો ધંધાર્થી છે. આ બંને શખ્સો મુંબઈ-જામનગર બસમાં આવી રહ્યા હતાં પણ કોઈ કારણસર રાજકોટ ઉતર્યા અને ઝડપાઈ ગયા