Mysamachar.in-અમદાવાદઃ
રાજ્યમાં કુટણખાનું પકડાવું હવે સામાન્ય બાબત બની ગઇ છે. છાસવારે રૂપલલનાઓ પકડાઇ રહી છે, તો તેમની પાસે દેહવ્યાપારનો ધંધો કરાવનારા દલાલને પણ જેલમાં ધકેલવામાં આવે છે. પરંતુ અમદાવાદમાં દેહવ્યાપારનો એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમને કદાચ નવાઇ લાગશે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં પોલીસે બે વૃધ્ધોની દેહવ્યાપાર ચલાવવાના ગુનામાં ધરપકડ કરી છે, જેમાં એકની ઉમર 75 વર્ષની છે. તો બીજાની ઉમર 67 વર્ષની છે. બંને વૃદ્ધ સાથે પોલીસે એક યુવક અને બે રૂપલલનાઓની પણ અટકાયત કરી છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી પોલીસને ફરિયાદ મળતી હતી કે આઇડિયલ કોલોનીમાં રહેતા કૌશીક પંડ્યા નામના 75 વર્ષિય વૃદ્ધ પોતાના ઘરમાં રૂપલલના બોલાવી દેહવ્યાપાર કરાવે છે. બાદમાં પોલીસે દરોડા પાડ્યા તો ચોંકાવનારી વિગતો સામે આવી, જેમાં જાણવા મળ્યું કે અન્ય એક વૃદ્ધ દિનેશ ડોળિયા રૂપલલનાઓને બોલાવતો અને ગ્રાહકોની વ્યવસ્થા પણ કરાવી આપતો. માત્ર કૌશીકે પોતાનું મકાન ભાડે આપવાનું હતું. દરોડા દરમિયાન પોલીસે એક ગ્રાહકની ધરપકડ કરી બે રૂપલલનાને છોડાવી હતી.
બાદમાં પોલીસની તપાસમાં સામે આવ્યુ છે કે આરોપી કૌશીક પંડ્યા ઘરમાં એકલો રહેતો હતો અને માત્ર 50-100 રુપિયામાં પોતાનું મકાન ભાડે આપી દેતો હતો. તપાસ બાદ જાણવા મળ્યુ છે કે આરોપી દિનેશને પણ માત્ર દલાલી માટે 50-100 રુપિયા જ મળતા હતા ત્યારે જે રુપલલનાઓને 500 રુપિયા આપવામાં આવતા હતા.