Mysamachar.in-જામનગર:
જામનગરના એક ગ્રામ્ય વિસ્તારમાં બે મોટરસાયકલ વચ્ચેની ટક્કરમાં બંને ચાલકના મોત નીપજયા છે. એક મૃતકના ભાઈ દ્વારા બીજા મૃતક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે, આ અકસ્માતમાં એક બાળકીને પણ ઈજાઓ થઈ છે.
જામનગરના પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભરતભાઇ કાબાભાઈ દોમડીયા (રહે. બજરંગપુર, હાલ રાજકોટ)એ આ ફરિયાદ દાખલ કરાવી છે. તેમના મોટાભાઈનું આ અકસ્માતમાં મોત થયું છે. આ અકસ્માત ગઈકાલે સાંજે સાત વાગ્યા પહેલાં થયો હતો. જેની ફરિયાદ ગત્ મોડી રાત્રે સવાબે વાગ્યા આસપાસ દાખલ કરાવવામાં આવી છે.
આ અકસ્માત ધૂતારપૂર-પીઠડીયા રોડ પર ખારાવેઢા(તાલુકો જામનગર)ના પાટીયા નજીક સર્જાયો હતો. અકસ્માતમાં મોતને ભેટેલા રમેશભાઈ કાબાભાઈ દોમડીયા(56) મોટરસાયકલ નંબર GJ-10-S-9445 મારફતે પીઠડીયાથી બજરંગપુર જતાં હતાં અને અન્ય એક મોટરસાયકલ નંબર GJ-16-BF-3027નો ચાલક બિશનસિંગ શંકરભાઈ અજનાર પોતાની 4 વર્ષની દીકરી સાથે ખારાવેઢા નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ બંને મોટરસાયકલ અથડાઈ જતાં બંનેના ચાલકના મોત થયા અને બાળકીને ઈજાઓ થઈ જે અંગે મૃતક બિશનસિંગ વિરુદ્ધ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.