Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાની ખંભાળિયાની અદાલતમાં ચાલી રહેલી કોર્ટ કાર્યવાહીમાં અકસ્માત વળતર સંદર્ભેના કેસમાં બે શખ્સોએ કાવતરું રચીને બનાવટી રસીદ રજૂ કરતા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયાની જિલ્લા મુખ્ય ન્યાયાલય કચેરીમાં જિલ્લા રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા પ્રવિણકુમાર મોહનલાલ પાનસુરીયાએ હાલ બોટાદના અને મૂળ ભાવનગર જિલ્લાના ગઢડા (સ્વામી.) તાલુકાના રહીશ યોગાનંદ સ્વામી સેવા સમાજ ટ્રસ્ટ અને જામનગરમાં મયુરનગરના રહીશ ખીમાણંદ આરસી લગારીયા સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે..
ઉપરોક્ત બંને આસામીઓએ ખંભાળિયાની અદાલતમાં ચાલી રહેલા ક્લેમ કેસમાં વિવિધ પ્રકારના બનાવટી અને ખોટો દસ્તાવેજ (વીમો ભર્યાની નાણાંની રસીદ) રજૂ કરી હતી. આ રીતે ભારતીય ન્યાય સંહિતામાં શિક્ષાપાત્ર એવા આ પ્રકરણમાં ઉપરોક્ત બંને આસામીઓએ આ બનાવટી દસ્તાવેજનો ઉપયોગ પોતાની વળતર ચૂકવવાની જવાબદારી ટાળવા અને વીમા કંપનીની જવાબદારી બને અને મોટર એકસીડન્ટ ક્લેમ ટ્રીબ્યુનલ સાથે ઠગાઈ કરવા માટે બનાવટી ઉભો કર્યો હતો. આ સમગ્ર પ્રકરણ તપાસમાં ખુલતા વિવિધ પ્રકારના આધાર પુરાવાઓ સાથે ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. જે અંગે પોલીસે ધોરણસર ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.આર. ઝરૂ દ્વારા હાથ ધરવામાં આવી છે.