Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડના પુનિત માર્કેટ વિસ્તારની ગલીમાંથી પોલીસે મોડી રાત્રીના સમયે રણજીતપરા વિસ્તારમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક ગઢવી ભરત માંડણભાઈ મારુ અને આ જ વિસ્તારમાં રહેતા અને લોન રીકવરીનું કામ કરતા યશરાજસિંહ સુખદેવસિંહ જાડેજા નામના બે શખ્સોને સ્કોર્પિયો કાર તેમજ વિદેશી દારૂની 120 બોટલ સાથે ઝડપી લીધા હતા.
આ સમગ્ર પ્રકરણમાં પોલીસે રૂપિયા 74,820 ની કિંમતની 120 બોટલ વિદેશી દારૂ તેમજ રૂ. 10,000 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા પાંચ લાખની કિંમતની સ્કોર્પિયો કાર મળી, કુલ રૂપિયા 5,84,820 નો મુદ્દામાલ કબજે કરી, બંને શખ્સોની અટકાયત કરી લીધી હતી.આ પ્રકરણમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ભકા કારા રબારી નામના શખ્સનું પણ નામ ખુલવા પામ્યું છે. જેને હાલ પોલીસે ફરાર જાહેર કર્યો છે.આ સમગ્ર ગુનામાં ભાણવડ પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ મુજબ ધોરણસર ગુનો નોંધાયો છે.