Mysamachar.in-અમદાવાદઃ
રાજ્યમાં વધુ એક ATM લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો છે, આ વખતે ગેસ કટર લઇને ATM તોડવાનો પ્રયાસ કરી રહ્યાં હતા, જો કે 500 કિમી દૂર હેડ ઓફિસમાં ખબર પડી કે કોઇ ATM તોડી રહ્યું છે, જેના આધારે પોલીસે દરોડા પાડતાં લૂંટારૂઓ રંગેહાથ ઝડપાયા હતા. ઘટના છે અમદાવાદની, અહીં ઉત્તરાયણ પૂરી થયા બાદ રાત્રે બે વાગ્યાની આસપાસ પોલિટેકનિક રોડ પરના એસબીઆઇ બેન્કના એટીએમમાં ત્રણ જેટલા શખ્સો ગેસ કટરની મદદથી ATM તોડવાનો પ્રયાસ કરી રહ્યાં હતા, ત્રણમાંથી એક શખ્સ ATM બહાર વોચ રાખી રહ્યાં હતો, જ્યારે બે શખ્સો ATM તોડવાનો પ્રયાસ કરી રહ્યાં હતા.
લૂંટની અનેક ઘટનાઓમાંથી પ્રેરણા લઇને હવે મોટાભાગની બેંકોએ ATMની સુરક્ષા વધારી દીધી છે, લૂંટારૂઓએ ગેસ કટરથી ATMનો આગળનો ભાગ તો કાપ્યા બાદ ATMમાં લાગેલા સેન્સરની મદદથી 523 કિમી દૂર મુંબઇ બ્રાંચમાં સિક્યોરિટી વિભાગમાં આલાર્મ વાગતા, ત્યાંના કર્મચારીઓએ અમદાવાદ પોલિટેકનિટ શાખામાં દોઢ વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતા કુલદીપભાઇ ગર્ગને તાત્કાલિક જાણ કરી હતી, બાદમાં કુલદીપે પોલીસને સાથે રાખી ATMમાં પહોંચ્યા હતા, જ્યાં જોયું તો ATMનું શટર પાડેલું હતું, પોલીસને જોઇને ATM લૂંટવા આવેલા શખ્સો ભાગવા લાગ્યા હતા, ATM બહાર વોચ રાખી રહેલો શખ્સ પોતાનું વાહન રાખી ફરાર થઇ ગયો, જ્યારે બે શખ્સો ATMમાં છેડછાડ કરતાં રંગેહાથ ઝડપાઇ ગયા. પોલીસે સમગ્ર બાબતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.