Mysamachar.in-અમદાવાદઃ
ચોર ટોળકી પણ હવે હાઇટેક બનતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. અમદાવાદમાં થોડા સમય પહેલા કાલુપુરમાં થયેલી ચોરીને અંજામ આપનારા બે શખ્સોની ધરપકડક કરવામાં આવી છે. બંને આરોપીઓ પાસેથી ખાતરીયું, મોબાઇલ અને રોકડ રકમ કબજે કરવામાં આવ્યા છે. બાદમાં બંનેની પુછપરછમાં જાણવા મળ્યું આરોપીઓ ચોરી કરવા માટે ફ્લાઇટમાં અમદાવાદમાં આવતા અને હોટેલમાં રોકાણ કરી જ્યાં ચોરી કરવાની હતી એ ચોખા બજારની રેકી કરતા હતા. બંને આરોપીમાં હાકમ કાંઠાત જે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે, બીજો એમ. બી. શિવાની જે બેંગ્લોરનો રહેવાસી છે. એમ બી શીવા તેના સાથીદારો સાથે મળીને દેશના અન્ય રાજ્યોમાં હવાઈ માર્ગે જતો હતો અને ખોટા પુરાવા આપીને હોટલોમાં રોકાણ કરતો હતો. દિવસ દરમિયાન રેકી કરીને ઘરફોડ ચોરીની જગ્યા ટાર્ગેટ કરીને રાતના સમયે ત્યાં પોતાના લોખંડના ખાતરીયાથી દુકાનોના તાળા તોડીને ચોરીને અંજામ આપીને પરત હવાઈ માર્ગે નાસી છૂટતા હતા. ગુજરાતમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી અમદાવાદમાં ચોખા બજારમાં 21 દુકાનોના તાળા તોડી 3.5 લાખની ચોરી કરવામાં આવી હતી, જો કે હવે પોલીસે ચોર ટોળકીને પકડી અન્ય સાગરિતોને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.