Mysamachar.in-ભાવનગર
હાલમાં માર્ગ સલામતી માસ ચાલી રહ્યો છે, એવા સમયે માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં પણ વધારો થઇ રહ્યો છે, આજે સવારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બે લોકોના મોત નીપજ્યાનું જાણવા મળે છે, આજે ભાવનગર અમદાવાદ હાઈવે પર પીપળી વટામણ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પીપળી વટામણ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. જે કારણો અકસ્માત થયો તે કાર તેલંગણા પાસિંગની હોવાનું સામે આવ્યું છે.
તેલંગાણા પાસિંગની કારમાં 5 લોકો સવાર હતા. જેમાંથી 2 લોકોના સ્થળ પર મોત નિપજ્યા છે. ટ્રક અમદાવાદ તરફ જઈ રહ્યો હતો, ત્યારે સામેથી આવતી તેલંગાણાની કાર સાથે તેની ટક્કર થઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્તો ધોળકા હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં 2 મુસાફરોને સામાન્ય ઇજા થઈ છે, તો એકની હાલત ગંભીર છે. પોલીસે સ્થળ પર પહોંચીને ક્રેઇનની મદદથી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરી હતી.