Mysamachar.in-અમદાવાદઃ
પ્યાસીઓ માટે દિવાળી સમાન થર્ટી ફર્સ્ટને હવે ગણતરીના કલાકો જ બાકી છે, એવામાં શહેરમાં નબીરાઓ પાર્ટી કરવા માટે અધિરા બન્યા છે. દારૂ પીને નવા વર્ષની ઉજવણી કરવા માટે યુવાધન અત્યારથી જ રંગમાં આવી ગયું છે. મેટ્રો શહેર અમદાવાદમાં પોષ વિસ્તારમાંથી બે યુવતીઓ પીધેલી હાલતમાં પકડાતા ભારે ચર્ચા જાગી છે. મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે SHE ટીમ દ્વારા પણ સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, આ દરમિયાન શી ટીમે મોડીરાત્રે બોડકદેવ મહિલા ગાર્ડન પાસેથી બે યુવતીઓને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડી હતી. ઝડપાયેલી બંને યુવતી 24 વર્ષિય દીપિકા રાવત, અને 21 વર્ષિય આરતી દાંતણિયા નશામાં લથડિયા ખાતી હતી. બંનેની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. આ વર્ષે 31 ડિસેમ્બરની રાતે અમદાવાદમાં 15 પાર્ટી પ્લોટ, 12 હોટેલ – રેસ્ટોરાં અને 4 ક્લબ મળીને કુલ 31 જગ્યાએ ડાન્સપાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. છેડતી તેમજ રોડ રોમિયોને પકડવા મહિલા પોલીસની 52 'શી' ટીમ તેમજ મહિલા ક્રાઈમ બ્રાન્ચની 8 ટીમો મળીને મહિલા પોલીસની 60 ટીમો તહેનાત રહેશે.