Mysamachar.in-અમદાવાદ
હમણાં હમણાં લાંચિયા બાબુઓ પર એસીબીનો સકંજો કસાઈ રહ્યો છે, અને અપ્રમાણસરની મિલકત લાંચ લેવા સહિતના ગુન્હાઓ નોંધાવવા લાગ્યા છે, એવામાં લાંચિયા સરકારી બાબુ એવા ડોકટરોએ હોસ્પીટલના કામમાં પણ કટકી કરવાનું ના છોડ્યું હોય તેમ લાખોનો પગાર છતાં લાંચ માં મોઢું નાખવા જતા એસીબીની અડફેટ ચઢી ગયા છે, વાત અમદાવાદની છે…જ્યાં સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોનાના દર્દીઓને આપવામાં આવતા ભોજન અને ચા-નાસ્તાના રૂ.1.18 કરોડનું બિલ મંજૂર કરવા ઇન્ચાર્જ આર.એમ.ઓ ડૉ.ઉપેન્દ્ર પટેલ અને મેડિકલ ઓફિસર ડૉ.શૈલેષ પટેલે કોન્ટ્રાક્ટર પાસેથી 16 લાખની અને કેન્ટિનનું ટેન્ડર ત્રણ વર્ષ માટે મંજૂર કરવા વધુ 2 લાખ એમ કુલ મળી 18 લાખની લાંચ માગી હતી…
જે પૈકી અગાઉ 10 લાખ લીધા હતા જ્યારે બાકીના 8 લાખ ગુરુવારે એટલે કે ગઈકાલે સોલા સિવિલ હોસ્પિટલની સુપ્રિટેન્ડેન્ટ ઓફિસની સામેની વેઇટિંગ ઓફિસમાં લેતા એસીબીના હાથે બન્ને લાંચિયા આવી ગયા છે, છેલ્લા 4 મહિનામાં સોલા સિવિલમાં દાખલ થયેલા દર્દીઓને હોસ્પિટલ દ્વારા કેન્ટિન ફેસિલિટી આપવામાં આવતી હતી. જેમાં ચા-પાણી તેમજ જમવાનું સરકારી ખર્ચે અપાતું હતું. 4 મહિનાનું બિલ 1.18 કરોડ થયું હતું. કોન્ટ્રાક્ટરે આ બિલ મંજૂરી માટે મૂક્યું હતું ત્યારે ડૉક્ટર ઉપેન્દ્ર પટેલ અને ડૉ.શૈલેષ પટેલે બિલ મંજૂર કરવા 30 ટકા લાંચ પેટે માગ્યા હતા.
જોકે રકઝકના અંતે 16 ટકા લાંચ આપવાનું નક્કી કર્યું હતું. આ લાંચ ઉપરાંત કેન્ટિનનું ટેન્ડર પણ 3 વર્ષ માટે મંજૂર કરવા વધુ બે લાખ માગ્યા હતા. જે અંગે ટેન્ડર ચલાવતા કોન્ટ્રાક્ટરના ભાઈએ એસીબીને જાણ કરી હતી. એસીબીએ છટકું ગોઠવતાં ગુરુવારે સોલા સિવિલમાં જ બંને ડૉક્ટરોએ 8 લાખની લાંચ સ્વીકારતા એસીબીએ ઝડપી પાડ્યા હતા. સરકારી હોસ્પિટલના ડૉક્ટરો પોતાનો લાખોનો પગાર હોવા છતાં આટલી મોટી લાંચ લેતાની વાત પ્રસરી જતા તબીબી આલમમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે.