Mysamachar.in-અમદાવાદઃ
વાહન ચલાવતી વખતે હંમેશા આજુબાજુ ખાસ ધ્યાન રાખવાની સાથે સેફટીનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઇએ. જો આવું કરવામાં ન આવે તો જીવનું જોખમ ઉભું થતું હોય છે. રસ્તામાં વચ્ચે કતરું પડતાં હાઇવે પર બાઇક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. બનાવની વિગત પ્રમાણે બગોદરાથી ધંધુકા માર્ગ પર ફેદરા સીએનજી પેટ્રોલ પંપ નજીક કૃષ્ણનગર-અમદાવાદથી સાવરકુંડલા જઇ રહેલી બસના પાછળના ટાયરમાં બાઇક અથડાયું હતું. આ બાઇકમાં પિતા-પુત્ર હોવાનું કહેવામાં આવી રહ્યું છે, બાઇક ચલાવનાર પાસેથી મળેલા ડ્રાઇવિંગ લાયસન્સમાં તેનું નામ હાર્દિકકુમાર પનેલિયા લખેલું છે અને તેમની ઉંમર 29 વર્ષની છે. તે અમરેલી જિલ્લાનાં ખાંભા તાલુકાનાં પિપલાવા ગીરનાં રહેવાસી છે. હાર્દિકે હેલ્મેટ પહેર્યું હતું. બંને અમરેલી તરફ જઇ રહ્યાં હતા. અકસ્માત દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલા અન્ય વાહન ચાલકોનું કહેવું છે કે વચ્ચે કુતરું પડતાં આ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં બાઇક સવાર બંનેને ગંભીર ઇજા પહોંચતા 108ની ટીમની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે બંનેનું મૃત્યુ થયું હતું.