Mysamachar.in-જામનગર:
જામનગર શહેર માં પણ અન્ય શહેરો ની માફક રખડતા ભટકતા પશુઓ નો ત્રાસ છેલ્લા કેટલાય સમયથી દિનપ્રતિદિન વધવા લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે..જેની સામે મનપા નો ઢોરડબ્બા વિભાગ નિષ્ક્રિય બનીને સ્થાનિકોના મોતના તમાશાની રાહ જોઈને બેઠો હોય તેમ ઢોરડબ્બાઓ મા પશુઓ સંગ્રહ કરવાની મર્યાદા પૂર્ણ થઇ જતા કાર્યવાહી બંધ થઇ ચુકી હોવાનો ઈશારો આપે છે,જેને કારણે શહેરીજનોને પશુત્રાસનો ભોગ બનવાનો વારો આવ્યો છે,શહેર નો એકપણ મુખ્યમાર્ગ એવો નથી કે જ્યાં રસ્તે રજળતા ઢોર જોવા ના મળે..ઢોરના અડીંગાઓ ને લઈને વાહનચાલકો અને રાહદારીઓ ખુબ મોટી યાતનાનો સામનો કરી રહ્યા છે,
શહેરના મુખ્યમાર્ગોની વાત કરીએ તો,ઇન્દીરા માર્ગ ,પવનચક્કી રોડ,પંચેશ્વર ટાવર રોડ,ટાઉનહોલ રોડ,લીમડાલાઈન,મેહુલનગર સહિતના શહેર ના મુખ્યમાર્ગો પર પશુ માલિકો દ્વારા વહેલી સવાર થી જ પોતાના ઢોર ને જાહેરમાર્ગો પર ચરવા માટે છોડી દે છે…જે ઢોર ટ્રાફિક ની સમસ્યા માં તો વધારો કરે જ છે.સાથે અકસ્માતો ને પણ નોતરે છે.તેના થી કા તો વાહનચાલકો રસ્તે ની વચોવચ બેઠેલા ઢોરથી ઈજાગ્રસ્ત બને છે.અને કા તો મોત ને ભેટ્યા હોય તેવા કિસ્સાઓ જામનગર માં નોંધાઈ ચુક્યા છે,આજની સ્થિતિ એ શહેરના મુખ્યમાર્ગોની ઢોરની સમસ્યા કેમેરામાં કેદ થઇ શકતી હોય તો મનપા ના અધિકારીઓ ને રસ્તે રજળતા ઢોર શા માટે નજરે ચડતા નથી.એસી ઓફીસમા બેસી અને ઢોર ડબ્બાના કંટ્રોલિંગ અધિકારી બન્ને ઢોરડબ્બાઓ ફૂલ થઇ જતા તેની જવાબદારી પૂર્ણ થઇ ગઈ હોય તેમ હાથ અદ્ધર કરતાં કહે છે કે કાર્યવાહી તો ચાલુ છે.
થોડા સમય પૂર્વે મનપા દ્વારા જામનગર પોલીસના સહયોગથી આ રીતે જાહેરરસ્તાઓ પર ઢોર ને છોડી દેનાર ઢોર માલિકો સામે જાહેરનામાં ભંગ ના કેસો કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી….અને ખાનગી પશુમાલિકો ના પશુઓને પણ ટેગ મનપા દ્વારા લગાવવામાં આવ્યા છે..છતાં પણ મનપાનું તંત્ર કડક પગલા ભરવાને બદલે ઢોરનો રસ્તા પરથી નિકાલ કરવાની બાબતમાં નિષ્ફળ સાબિત થઇ રહ્યું હોય તેમ લોકો અનુભવ કરવાની સાથે યાતના ભોગવી અને મનપાને કોષી રહ્યા છે..