Mysamachar.in-સુરતઃ
પોલીસે ડુપ્લિકેટ નોટની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પાડોશી રાજ્ય રાજસ્થાનથી ગુજરાતમાં ડુપ્લિકેટ નોટ ઘુસાડવામાં આવી રહી હતી. જો કે ચેક પોસ્ટ પર ચેકિંગ દરમિયાન સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. સુરતમાં નિયોલ ચેક પોસ્ટ પર રૂટિન મુજબ વાહનોમાં ચેકિંગ ચાલતું હતું, આ દરમિયાન એક લક્ઝરી બસમાં ચુનીલાલ સુથાર નામના મુસાફરના બેગમાંથી 500ના દરની 617, 2000ના દરની 14, રૂપિયા 200ના દરની 9 નોટ અને 100ના દરની 2 નોટ મળીને કુલ 338500 રૂપિયાની 642 ડુપ્લિકેટ નોટ મળી આવી હતી, બાદમાં પોલીસે ચુનીલાલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ચુનીલાલે કેટલાક વધુ ખુલાસા કર્યા હતા.
મૂળ રાજસ્થાનના ઝાલોરના રહેવાસી ચુનીલાલે જણાવ્યું કે આ ડુપ્લિકેટ નોટ રાજસ્થાનમાં રહેતા તેના મિત્ર રમેશ ચૌધરી પાસેથી લાવવામાં આવી છે, જે અડાજણમાં રીવર હાઇટ્સમાં રહેતાં અને રિયલ એસ્ટેટમાં દલાલીનું કામ કરતાં ચંદ્રકાંત શાહને આપવાની હતી. ત્યારબાદ પોલીસ ચંદ્રકાંતના ઘરે પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જે દરમિયાન ચંદ્રકાંત ને ત્યાંથી વધુ 2.06 લાખની ડુપ્લિકેટ નોટ મળી આવી હતી. ઝાલોરથી સુરત નોટ લાવવા માટે ચુનીલાલને ક્યારેક 5000થી 10,000 રૂપિયાનું મહેનતાણું મળતું હતું. તે આ પહેલા પણ નોટો લાવ્યો હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હાલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.