જામનગર શહેર અને જિલ્લામાં ઘણાં દિવસોથી આકરો તડકો પડી રહ્યો હતો, સાથે વાતાવરણમાં ભેજને કારણે બફારો તથા અકળામણની સ્થિતિઓ હતી તે દરમ્યાન ગત્ 24 કલાકમાં શહેર અને જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સવા બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
ગઈકાલે સોમવારે જામનગર શહેરમાં ઘડી તડકો અને ઘડી વાદળછાયા વાતાવરણ વચ્ચે મોડી રાત્રે નોંધપાત્ર વરસાદ પડ્યો. આ સમયે ભયાનક ગાજવીજને કારણે બાળકો અને મહિલાઓમાં ગભરાટ વ્યાપી ગયો. વીજળીના જોરદાર ચમકારા અને ત્યારબાદનો ભયાનક ગડગડાટ લાંબો સમય ચાલ્યા. મોડી રાત્રે 2 થી 4 વાગ્યા દરમ્યાન શહેરમાં પોણાં બે ઈંચ વરસાદ વરસી ગયો.
આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલા 24 કલાક દરમ્યાન જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ, ખાસ કરીને કાલાવડ પંથકમાં સારો વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકામાં નવાગામમાં સૌથી વધુ સવા બે ઈંચ વરસાદ વરસ્યો. આ ઉપરાંત મોટા પાંચ દેવડામાં પોણાં બે ઈંચ, જામજોધપુર તાલુકાના
વાંસજાળીયામાં દોઢ ઇંચ અને સમાણા તેમજ લાલપુરના પડાણા તથા હરીપરમાં એક ઈંચ વરસાદ થયો.
આ સાથે જ આ 24 કલાક દરમ્યાન ધ્રાફામાં સવા ઈંચ, મોટા ખડબામાં પોણો ઇંચ અને આ ઉપરાંત પીપરટોડા, શેઠવડાળા, જામવાડી, દરેડ, લાખાબાવળ અને વસઈમાં હળવો વરસાદ નોંધાયો.