Mysamachar.in-ગાંધીનગર:
એક જમાનામાં એમ કહેવાતું કે, કવિ અને શિક્ષકો સામાન્ય રીતે ‘ગરીબ’ લેખાય, પરંતુ પછી સમય પલટાયો. કોચિંગ ક્લાસનું ચલણ વધતાં શિક્ષકોની સંપત્તિઓ પણ વધવા લાગી. જો કે તેમાં પ્રાથમિક શિક્ષકો બહુ ‘માલદાર’ નથી બન્યા, પણ સરકાર ઈચ્છે છે કે, શિક્ષકો પોતાની તથા પરિવારની સંપત્તિઓનો હિસાબ આપે.
રાજ્ય સરકારના GAD વિભાગ દ્વારા લેવામાં આવેલાં નિર્ણયના અનુસંધાને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લાઓના DPEO અને જિલ્લા શિક્ષણ અધિકારીઓને પરિપત્ર મોકલવામાં આવ્યો છે. શિક્ષકોએ પોતાની તથા પોતાના પરિવારના સભ્યોની મિલકતો દર વર્ષે જાહેર કરવાની રહેશે.
નિયામક કચેરીએ કરેલાં પરિપત્રમાં જણાવ્યું છે કે, રાજ્ય સ્તરે પંચાયત સેવા વર્તણૂંક નિયમોમાં કરવામાં આવેલી જોગવાઇ અનુસાર, પંચાયતના દરેક કર્મચારીઓ, પ્રાથમિક શિક્ષકો દ્વારા સ્થાવર અને જંગમ મિલકતો જાહેર કરવામાં આવે. પંચાયતના દરેક કર્મચારીએ કોઈ પણ સેવા અથવા જગ્યા પર પોતાની પ્રથમ નિમણૂંક વખતે વારસામાં મેળવેલી માલિકીની મિલકત પોતાના નામની અથવા પરિવારના સભ્યોના નામની મિલકતો હોય તો તેની વિગતો જાહેર કરવી પડશે. તમામ શિક્ષકોએ તથા આચાર્યોએ દર વર્ષે પોતાની મિલકતો જાહેર કરવાની રહેશે.
શિક્ષણ વિભાગના અધિકારીઓ જણાવે છે કે, પંચાયત સેવા વર્ગ-3 માં આવતાં દરેક કર્મચારીને આમાં સમાવી લેવામાં આવશે. આ માટે ખાસ સોફ્ટવેર બનાવવામાં આવી રહ્યો છે. જેમાં આ વિગતો દર વર્ષે અપલોડ કરવાની રહેશે. મહત્ત્વનો મુદ્દો એ છે કે, શિક્ષકો માટે આ પ્રક્રિયા પ્રથમ વખત અમલમાં આવી રહી છે. હાલમાં માત્ર પ્રાથમિક શિક્ષકો માટે પરિપત્ર જાહેર થયો છે પરંતુ નજીકના દિવસોમાં રાજ્યની સરકારી હાઈસ્કૂલોના શિક્ષકો માટે પણ આ નિયમ આવશે. આ શિક્ષકો પૈકી ઘણાં કોચિંગ ક્લાસ મારફતે નોંધપાત્ર આવકો મેળવી રહ્યા છે.(file image source:google)