Mysamachar.in-મહેસાણા
સરકારી નોકરીની શોધ કરતા યુવાનો કોઈ લેભાગુ તત્વોના વિશ્વાસમાં આવી અને છેતરપીંડીનો ભોગ બનતા હોય છે, આવો જ એક કિસ્સો મહેસાણા જિલ્લામાં સામે આવ્યો છે. જેમાં મહેસાણા ઉપરાંત અન્ય જિલ્લાના કુલ 33 લોકોને એસટી વિભાગમાં નોકરી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ મામલે પોલીસે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. મહેસાણા જિલ્લા તેમજ પાટણ જિલ્લાના 33 લોકોને બે ઈસમોએ સરકારી નોકરીની લાલચ આપી હતી. જોકે, આ બે ઈસમોએ પોતે નરોડા સેન્ટર ઓફિસ એસટી વિભાગ અમદાવાદ ખાતે સેક્સન ઓફિસર હોવાનું કહી અને ખોટી પગાર સ્લીપ બતાવી 33 લોકો પાસેથી કુલ રૂપિયા 59 લાખથી વધુની છેતરપીંડી આચરી હતી.
જે અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ સમગ્ર મામલે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ અને તેમની ટીમે સમગ્ર મામલે બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન આ કેસના બે આરોપી રાકેશ જયંતિ પટેલ અને લલિત કેશવલાલ મકવાણા નામના બે ઈસમોને મહેસાણાના સોમનાથ ચોક પાસેથી ઝડપી પાડ્યા હતા. આ મામલે બન્ને શખ્સોએ પોતાનો ગુનો કબૂલ કર્યો છે.