Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકાને કચરા સાથે જૂની અને ગાઢ લેણાદેણી છે. છેક એન્ટોની કંપનીથી શરૂ થયેલી આ કચરાકથા આજે 2023માં પણ હોટ ટોપિક છે ! કચરો માત્ર કચરો જ નથી, તેમાંથી કંચન ઉર્ફે સોનું પણ પ્રાપ્ત કરી શકાય છે, આ જાદુઈ છડી કેટલાંક લોકોનાં હાથમાં આવી ગઈ છે ત્યારથી, જામનગરમાં કચરો ગાજતો રહ્યો છે. ગાજી રહ્યો છે.
તાજેતરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ચાલી રહ્યાનું માનવામાં આવતું વધુ એક કૌભાંડ ગાજવીજ સાથે ચર્ચામાં આવ્યું છે ! કહેવાય છે કે, એક જ કચરાને એક જ વે-બ્રિજ પર બે વખત જોખવામાં આવે છે ! ટૂંકમાં, વજન કરવામાં આવે છે. એક જ કચરો બે વખત જોખાય એટલે સ્વાભાવિક છે કે, એક જ કચરાનાં બે બિલ બને. જેમાંથી એક બિલનાં નાણાં ઉપલી કમાણી તરીકે લાગતાં વળગતા સૌનાં ખિસ્સા સુધી પહોંચી શકે. એમ પણ માનવામાં આવે છે, દૈનિક આ રીતે 50-60 ટન કચરામાંથી સંબંધિતો ઉપલી કમાણી મેળવી લ્યે છે !
ચર્ચા એવી છે કે, શહેરનો કચરો ડમ્પ કરવા માટેની જે સાઈટ છે તેની નજીકનાં વે-બ્રિજ, સાઈટ તથા સાંઢિયા પુલ વચ્ચેનાં વિસ્તારમાં આ અદભૂત ફોર્મ્યુલા ધમધમી રહી છે. જેનાં કેટલાંક પુરાવાઓ પણ ચોક્કસ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યા છે ! આ અંગે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અજાણ હશે ?! કે, અજાણ હોવાનો ઢોંગ ચાલી રહ્યો છે ?! આ સમગ્ર કથિત પ્રકરણમાં ખરી હકીકત શું છે ? તેની તપાસ જામ્યુકો દ્વારા થશે એવું સંભળાઈ રહ્યું છે. જામ્યુકોની તિજોરીને નુકસાન પહોંચી રહ્યું છે કે કેમ ? તેની તપાસ શરૂ થશે, એવું સમજાઈ રહ્યું છે. આ ઉપરાંત કચરાની કામગીરી સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડરની અન્ય કેટલીક શરતોનો પણ ભંગ થતો હોવાની રજૂઆત છેક મ્યુ. કમિશનર સુધી પહોંચી છે. આગામી સમયમાં કમિશનર કક્ષાએથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં સોલિડ એકશન આવશે એવું પણ માનવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જામ્યુકોનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ લાંબા સમયથી વિવાદમાં છે. બીજી તરફ, કરદાતા નગરજનોનાં નાણાં કચરાનાં ઢગલામાં જઈ રહ્યા છે, એવી પણ એક વાત છે. અગાઉ ડોર ટુ ડોર કચરા કલેક્શન શરૂ થયું ત્યારે પણ મોટો ખેલ ગાજયો હતો, આ વિભાગમાં આ પ્રકારના ખેલ અટકશે કયારે ? અટકશે ?! એ પ્રકારના પ્રશ્નો વધુ એક વખત સપાટી પર આવ્યા છે.