Mysamachar.in-જામનગર:
જામનગરમાં આવેલ રંગમતી નદીને ઊંડી કરવાનો પ્રયાસ જામનગર મહાનગરપાલિકા દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ કરવામાં આવી રહ્યો છે, આ નદી ઊંડી થાય તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા ખાનગી સંસ્થાઓનો સ્વૈચ્છિક સહયોગ પણ મેળવવામાં આવી રહ્યો છે અને તેના ફલસ્વરૂપ ગત 10 એપ્રિલ 2025 થી આ નદીને ઊંડી કરવાની કામગીરી આરંભવામાં આવી જેને એક માસ હવે પૂર્ણ થશે પણ ત્યાં સુધીમાં જ 1 લાખ ટન જેટલી માટી (કાંપ) અંદરથી કાઢવામાં આવ્યાનું જાણવા મળે છે,
દરેડના ખોડિયાર મંદિરથી વ્હોરાના હજીરા સુધી રંગમતી નદી સુજલામ સુફલામ અન્વયે ઉંડી ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે આ કામગીરીનું નિરીક્ષણ કરવા થોડા દિવસો પૂર્વે પુનાથી કન્સલ્ટન્ટની ટીમ જામનગર આવી હતી. આ ટીમે દરેડના ખોડિયાર મંદિર અને લાલપુર બાયપાસ સુધી સ્થળ નિરીક્ષણ કરી ડેટા તૈયાર કર્યો હતો. આ સમયે મનપાની ટીમ પણ સાથે જોડાઈ હતી. કન્સલ્ટન્ટ ટીમના અધિકારીઓ નદીમાં કયાં કંઇ રીતે કામગીરી કરવી તેનો અહેવાલ તૈયાર કરી મનપાને આપ્યો જેને આધારે કામગીરી સતત ને સતત આગળ ધપી રહી છે.
શહેરમાં લાલપુર બાયપાસથી પ્રવેશતી રંગમતી નદીના વહેણના બંને કાંઠા તરફ હવે સોસાયટીઓ વસવા લાગી છે, ત્યારે આ નદીને ઊંડી કરવા માટે ખાનગી કંપની તરફથી 3 હિટાચી અને 2 જેસીબી મશીનોનો સહયોગ મળ્યો છે, જયારે 9 હિટાચી અને 3 જેસીબીનો કોન્ટ્રાક્ટ મનપા દ્વારા આપવામાં આવ્યો છે, અને દરરોજ 35 જેટલા ડમ્પરો અહીંથી નીકળતી માટીને જે તે જગ્યાએ પહોચાડવાની કામગીરી દિવસભર કરે છે આ કામગીરીમાં આજ દિવસ સુધીમાં 1 લાખ ટન જેટલી માટી નીકળી છે અને આગામી 10 જુન સુધી આ કામગીરી યથાવત રહેશે જેનો સીધો ફાયદો પાણી સંગ્રહને લઈને થશે તેવો મનપાનો દાવો છે. વધુમાં વધુ કાંપ કાઢી શકાય તે માટે 15 જેટલા હીટાચી મશીનો વરસાદના આગમન સુધી ચાલુ રહેશે. જે ખેડુતોને પણ આ કામગીરીનો લાભ લઈને પોતાના ખર્ચે કાંપ કાઢી જવો હોય તેઓને પણ તંત્ર દ્વારા છુટ પણ આપવામાં આવી છે.

જામનગરની રંગમતી નદી વર્ષો વર્ષ સાંકડી અને છીછરી બની રહી છે અને બીજી તરફ અગાઉના વર્ષોની સરખામણીએ જામનગરમાં હમણાંના વર્ષોમાં બમણાં કરતાં વધુ વરસાદ વરસી રહ્યો હોય- શહેરમાં લગભગ દર ચોમાસે વરસાદી પૂરની સ્થિતિઓ સર્જાઈ રહી છે અને લાખો લોકો પૂરની સ્થિતિઓનો ‘શિકાર’ બની રહ્યા છે.
આ કામગીરી અંગે કમિશનર ડી.એન.મોદીએ જણાવ્યું કે, નદીને ઉંડી ઉતારવી- નદીને પહોળી બનાવવી અને નદીના પટમાંથી કાંપ તથા કચરો હટાવવો- આ કામગીરીઓ જામનગરમાં ઘણાં વર્ષોથી થઈ નથી. આ ઉપરાંત છેલ્લા કેટલાંક વર્ષોથી જામનગરમાં સરેરાશ અગાઉના વર્ષો કરતાં બમણાંથી વધુ વરસાદ વરસી રહ્યો છે. આથી પૂરની પરિસ્થિતિઓ જોવા મળે છે. આ બધી બાબતો ધ્યાન પર લઈ રાજ્ય સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત, એ પદ્ધતિઓ મુજબ જામનગરમાં નદીમાં હાલ કામગીરીઓ કરવામાં આવી રહી છે. તે માટે સંખ્યાબંધ હીટાચી મશીન સહિતના યંત્રો અને સાધનો તથા વાહનો કામે લગાડવામાં આવ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ નદી ઉંડી અને પહોળી બનવાથી આ નદીમાં ચોમાસા દરમિયાન વધારાના અંદાજે 15-17 કરોડ લિટર પાણીનું વહન અને સંગ્રહ થઈ શકશે, જેથી પૂર નિયંત્રણ પણ થઈ શકશે. આ ઉપરાંત ભૂગર્ભજળનું સ્તર ઉંચુ આવશે.
સાથે જ મનપાના અધિકારીક સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ભવિષ્યમાં અહી ચેકડેમ અંગેનો સંભવિત પ્લાન પણ હોય જે કન્સલ્ટન્ટ દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યા બાદ જરૂરી ફેરફારો ફાઈનલ થયેથી આ અંગે રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ તેમજ અન્ય જરૂરી મંજૂરીઓ મેળવી ટેન્ડર બહાર પાડવામાં આવશે.
