Mysamachar.in-મહીસાગર:
રાજ્યમાં દિનપ્રતિદિન માતેલા સાંઢની જેમ દોડતા વાહનોને કારણે હાઈવે પર અકસ્માતમાં કેટલાય લોકો પોતાની મહામુલી જિંદગી ગુમાવી રહ્યા છે, ત્યારે આવો જ વધુ એક કંપારી છોડાવી દે તેવો કિસ્સો મહીસાગરથી સામે આવ્યો છે, જ્યાં ગત રાત્રીના સમયે એક પરિવારના 4 સભ્યો બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે દોડતા ટ્રક ચાલકે આ બાઈકને અડફેટ લેતા ચારેય લોકોના કચડાઈ જવાથી મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે.
મહીસાગરના લુણાવાડાના ચાર કોસિયા નાકા પાસે ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક ટ્રક ચાલકે બાઈક પર સવાર પિતા માતા અને બે બાળકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં બે બાળકો સહિત માતા અને પિતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. બાઇક પર સવાર એક જ પરિવાર ના 4 સભ્યોના ઘટના સ્થળે મોતથી અરેરાટી ફેલાઈ ગઈ હતી. અકસ્માત થતા ગુસ્સે ભરાયેલા લોકોના ટોળા કલાકો સુધી રોડ પર એકત્ર થઇ ગયા હતા જો કે બાદમાં પોલીસ કાફલાએ સ્થળ પર પહોચી મામલો થાળે પાડી ગુન્હો નોધવાની અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી કરી હતી.






