દેશભરમાં રખડતાં પશુઓ બાદ હવે રખડતાં કૂતરાઓનો મામલો ટ્રેન્ડીંગ ચાલી રહ્યો છે. સુપ્રિમ કોર્ટમાં પણ આ મામલે ગતિવિધિઓ ચાલી રહી છે અને કેન્દ્ર સરકાર પણ આ બાબતે ગંભીર હોય, શહેરી વિકાસ મંત્રાલય સહિતના 3 મંત્રાલય આ માટેના એક્શન પ્લાનને અમલમાં મૂકવા આગળ વધી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, એક સર્વે અંદાજ અનુસાર દેશભરમાં હાલ રખડતાં કૂતરાઓની સંખ્યા કુલ 1.53 કરોડ હોવાનું માનવામાં આવે છે પરંતુ શેરી ગલીઓમાં જે રીતે કૂતરાઓની સંખ્યા વધી રહી છે એ જોતાં કહી શકાય કે, કૂતરાઓની વાસ્તવિક સંખ્યા આ સર્વે અંદાજ કરતાં મોટી હોય શકે છે. એક્શન પ્લાન અંતર્ગત સરકારની ઈચ્છા એવી છે કે, એક વર્ષના સમયગાળા દરમ્યાન આ 1.53 કરોડ રખડતા કૂતરાં પૈકી 70 ટકા કૂતરાંને ખસીકરણ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવશે. જો કે આ એક્શન પ્લાનનો વાસ્તવિક અમલ કરાવવો ઘણી અઘરી બાબત બની શકે છે.
રખડતાં કૂતરાના ત્રાસ અંગે જામનગર શહેર અને જિલ્લાના લાખો લોકો પણ લાંબા સમયથી ચિંતિત છે. આ કૂતરાં હજારો લોકોને કરડી લ્યે છે. જે પૈકી અમુક લોકોના સારવાર દરમ્યાન અથવા બાદમાં મોત પણ થતાં હોય છે. આ ઉપરાંત જ્યારે પણ બેચાર કૂતરાં કે એકબે કૂતરાં નાના બાળકો પર ત્રાટકે છે ત્યારે સ્થિતિઓ ખૂબ જ કરૂણ બની જતી હોય છે. આ પ્રકારના બનાવો શહેરમાં, ગ્રામ્ય વિસ્તારમાં તથા વાડી વિસ્તારોમાં અવારનવાર બનતાં રહે છે, આવા દરેક બનાવ વખતે લોકો શાસન પ્રત્યે નારાજગીઓ, રોષ અને ગુસ્સો પણ વ્યક્ત કરતાં જોવા મળે છે પરંતુ અફસોસની વાત એ પણ છે કે, આ બાબતે ગ્રામ પંચાયતો, પાલિકાઓ અને મહાનગરપાલિકા એમ કોઈ જ તંત્રો ગંભીર કે ચિંતિત નથી.
જામનગર શહેરમાં ત્રણેક વર્ષ અગાઉ એક સ્વૈચ્છિક સંગઠનના માધ્યમથી મહાનગરપાલિકાએ રખડતાં કૂતરાંના રસીકરણ અને ખસીકરણની કામગીરીઓ હાથ ધરેલી. થોડાક મહિનાઓ તેનો પ્રચાર થયો. મોટી મોટી વાતો પણ થઈ અને પછી આ આખો અભિયાનને ફીંડલુ વાળી મહાનગરપાલિકાએ અભેરાઈ પર ચડાવી દીધું. સૌ ભૂલી ગયા.
ત્યારબાદ, એકાદ વર્ષ અગાઉ આ ફીંડલાને ફરી ઉખેળવાનો પ્રયાસ થયો પણ એમાં મહાનગરપાલિકાને સફળતા મળી નહીં કે શું થયું- આખી વાત ફરીથી ભૂલાવી દેવામાં આવી.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, એકાદ બે વર્ષ અગાઉ મહાનગરપાલિકાએ રંગેચંગે એવી પણ જાહેરાત કરેલી કે, રણજિતસાગર પશુ ડબ્બા નજીક કૂતરાંઓના રસીકરણ ખસીકરણ માટે ખાસ હોસ્પિટલ બનાવવામાં આવી છે. મીઠડી વાતો થઈ. ડોક્ટર અને સ્ટાફની નિમણૂંક તેમજ સારવાર સુવિધાઓના ગીત ગાવામાં આવ્યા. પછી, સૌ બધું ભૂલી ગયા. આજની તારીખે શહેરમાં રખડતાં પશુઓ માફક રખડતાં કૂતરાં બાબતે પણ મહાનગરપાલિકા દ્વારા કોઈ જ કામગીરીઓ કરવામાં આવતી નથી, બીજી તરફ લાખો નગરજનો રખડતાં કૂતરાંના ત્રાસ અને ડરથી ફફડી રહ્યા છે !