Mysamachar.in-અમદાવાદઃ
મેટ્રોસિટી અમદાવાદમાં કિન્નરના પ્રેમ ત્રિકોણની અનોખી ઘટના સામે આવી છે. અહીં એક કિન્નરની હત્યા કરી દેવામાં આવી, ત્યારબાદ જે ચોંકાવનારી વિગતો આવી તે જાણી શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. શહેરનાં સરદારનગરમાં કિન્નરને યુવાન સાથે પ્રેમસંબંધ રાખવો ભારે પડ઼્યો છે. પ્રેમીના અન્ય સાથેના સંબંધની શંકા અને વ્હેમનાં કારણે કિન્નરે જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. શહેરના સરદારનગર વિસ્તારમાં કિન્નરની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા થયાની જાણ થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં પોલીસના જણાવ્યા પ્રમાણે મમતા માસી, તેનો પ્રેમી અજય નાળીયા અને અન્ય એક વ્યક્તિ છેલ્લા કેટલાય સમયથી વાલ્મિકી આવાસમાં ભાડે રહેતા હતાં. જોકે, કેટલાક સમયથી મમતામાસી અને અજય વચ્ચે તકરાર ચાલી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે મમતા માસીને શંકા હતી કે, તેના પ્રેમી અજયને અન્ય કોઇ કિન્નર સાથે પણ સંબંધ છે. જેથી બંન્ને વચ્ચે અનેક વખત આ બાબતને લઇને બોલાચાલી થતી હતી.
એક દિવસ મમતા માસી અને અજય વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી, બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને ઉશ્કેરાયેલા અજયે મમતા માસીને છાતીના ભાગે હથિયારનો એક ઘા માર્યો હતો. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મમતા માસીનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ક્રાઇમબ્રાન્ચ સહીતનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચી વધુ વિગત મેળવવા તથા આરોપીને પકડવા માટેની શોધખોળ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.