Mysamachar.in-બનાસકાંઠા:જામનગર:
જીવલેણ અકસ્માતો જાણે કે, વિધાતાએ અસંખ્ય લોકોના લલાટે લખી જ નાંખ્યા હોય તેમ, અવારનવાર ઘાતક અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને નિર્દોષ લોકોને મોતના ખોળામાં માથાં ધરી દેવા પડી રહ્યા છે. અણઘડ અને અધીરા વાહનચાલકો અન્ય લોકો માટે યમદૂત સાબિત થઈ રહ્યા છે. આજે નવા વર્ષે સવારમાં મળેલી બે અકસ્માતની વિગતો દર્શાવે છે કે, નવા વર્ષમાં પણ જૂની ઉપાધિઓ યથાવત્ રહી છે. બે અકસ્માતમાં પાંચનો ભોગ લેવાયો છે અને 20થી વધુને ઈજાઓ થઈ છે.
એક અકસ્માત બનાસકાંઠાના સૂઈગામ પંથકમાં અને અન્ય એક અકસ્માત દ્વારકા પંથકમાં સર્જાયો છે. જેને કારણે ધોરીમાર્ગો મરણચીસોથી ગાજી ઉઠ્યા. સૂઈગામ પંથકમાં સોનેથ ગામ નજીક એક ટેન્કર અને ટ્રાવેલ્સની બસ વચ્ચે એવો ભયાનક અકસ્માત સર્જાયો કે, આખી લકઝરી બસ પડીકું વળી ગઈ. 3 ના મોત થયા અને 20 થી વધુ ઘાયલ થયા. આ અકસ્માત ભારતમાલા ધોરીમાર્ગ પર થયો. આ બસ જામનગરથી રાજસ્થાન તરફ જતી હતી.
અન્ય એક અકસ્માત: ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર આજરોજ વહેલી સવારે એક ઇનોવા મોટરકાર તેમજ ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા કારમાં જઈ રહેલા પર પ્રાંતિય માતા-પુત્રીના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે મુસાફરોને પણ ઇજાઓ થયાનું જાણવા મળ્યું છે. આ કરુણ બનાવની જાણવા મળતી વિગત મુજબ, રાજસ્થાનથી દ્વારકા દર્શનાર્થે આવી રહેલા એક પરિવારની ઇનોવા કારમાં પરિવારના સદસ્યો જ્યારે ખંભાળિયાથી દ્વારકા તરફ જતા હાઈવે માર્ગ પર ભાટીયા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર રહેલા ટ્રોલી સાથેના એક ટ્રેક્ટર સાથે ઇનોવા મોટર ધડાકાભેર ટકરાઈ હતી.
આ જીવલેણ ટક્કરમાં કારમાં જઈ રહેલા 54 વર્ષીય રાધારાણીબેન તેમજ તેમની 28 વર્ષની પુત્રી દિવ્યાબેનના ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે મુસાફરોને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માતા-પુત્રીના બંને મૃતદેહને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. વર્ષ 2025 ના આજે પ્રથમ દિવસે પરપ્રાંતિય શ્રદ્ધાળુઓ સાથે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતે ભારે અરેરાટી પ્રસરાવી છે. આ બનાવ સંદર્ભે પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ફરિયાદ નોંધવા સહિતની જરૂરી તજવીજ હાથ ધરી છે. કરૂણ યોગાનુયોગ એ છે કે, આ બંને અકસ્માતમાં જામનગર, દ્વારકા અને રાજસ્થાન રૂટ કોમન છે. બંને અકસ્માત ગુજરાત અને રાજસ્થાન સાથે સંકળાયેલા હોવાનું જાહેર થયું છે.