Mysamachar.in-અમદાવાદઃ
જામનગર સહિત રાજ્યભરમાં ટ્રાફિકના નિયમોનું ચૂસ્તપણ પાલન કરાવવા માટે તંત્ર સજ્જ છે. જેમાં હેલ્મેટ સહિતના નિયમોના ઉલ્લંઘન માટે રોડ પર લાગેલા કેમેરાની મદદથી સીધો ઘરે ઇ મેમો આપવામાં આવી રહ્યો છે. ઇ મેમો મળ્યા બાદ વાહન ચાલકે નિયત તારીખ પહેલા દંડ ભરી દેવાનો હોય છે, જો કે કેટલાક વાહન ચાલકો આ ઇ મેમાને હળવાશથી લઇ રહ્યાં છે અને દંડની રકમ ભરતા નથી. જો તમારે પણ ઇ મેમાનો દંડ ભરવાનું બાકી હોય તો ચેતી જજો, કારણ કે અમદાવાદ ટ્રાફિક પોલીસે નક્કી કર્યું છે કે જે લોકોએ દંડ નથી ભર્યો તેઓને ઘરે જઇને નોટિસ ફટકારવામાં આવશે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસે 2800 લોકોને ઘરે ઘરે જઈને તેમને નોટીસ ફટકારી છે. એક રિપોર્ટ પ્રમાણે અમદાવાદ શહેરમાં રોજના 2500 જેટલા ઇ મેમો ફટકારવામાં આવે છે. જેમાંથી માત્ર 100 જેટલા જ લોકો દંડ ભરે છે, આથી નાછૂટકે ટ્રાફિક પોલીસને આ નિર્ણય લેવાની ફરજ પડી છે. ઘરે જઇને ટ્રાફિક પોલીસ દ્વારા નોટિસ ફટકાર્યા બાદ પણ જો વાહનચાલક દંડ નહીં ભરે તો તેનું લાઈસન્સ અને આરસીબુક જેવા ડોક્યુમેન્ટ રદ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે હાલ ટ્રાફિક પોલીસે 50 જેટલા વાહન ચાલકોનું લિસ્ટ બનાવીને રાખ્યું છે જેમની સામે આ કાર્યવાહી કરવામાં આવશે.