Mysamachar.in: જામનગર
સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ ચોમાસુ સારૂં સાબિત થયા બાદ હવે, જામનગરના માર્કેટ યાર્ડમાં છેલ્લા 3-4 દિવસથી મગફળી અને કપાસ સહિતની જણસીઓની આવક શરૂ થઈ ગઈ છે. દર વર્ષની માફક આ વર્ષે પણ તામિલનાડુના વેપારીઓ આપણી બેસ્ટ મગફળી ખરીદવા જામનગર આવી પહોંચ્યા છે.
જામનગર પંથકમાં ઘણાં ખેડૂતો સારી કવોલિટીની મગફળી પકાવી રહ્યા છે. આ ઉપરાંત આસપાસના અન્ય કેટલાંક જિલ્લાઓના ખેડૂતો પણ સારી મગફળીનો પાક લ્યે છે. આ બેસ્ટ મગફળીનો દાણો મોટો હોય છે અને સફેદ ઝાંયવાળો ગુલાબી હોય છે. આ પ્રકારના સીંગદાણાની નિકાસ ઉંચા ભાવે થઈ શકતી હોય છે અને બિયારણ માટે પણ આ દાણો બેસ્ટ માનવામાં આવે છે. તેમાં ઉતારો વધુ આવતો હોય છે અને આ મગફળીમાં રોગની શકયતાઓ ખૂબ જ ઓછી હોવાથી હજારો ખેડૂતો આ મગફળી પકવતાં હોય છે. ઉંચી ગુણવત્તાને કારણે ખેડૂતો આ માલના બેસ્ટ ભાવ મેળવી શકે છે.
સામાન્ય મગફળી યાર્ડની હરરાજીમાં પ્રતિ મણ રૂ. 900-1,100 ના ભાવે વેચાણ થતી હોય છે તેની સામે આ બેસ્ટ મગફળી 1,400-1,800ના ભાવથી વેચાણ થઈ શકતી હોય છે. ખેડૂતોને પ્રતિ મણ રૂ. 200-500 જેટલો ઉંચો ભાવ મળી શકતો હોય છે. જામનગર માર્કેટ યાર્ડમાં છેલ્લા 6-7 વર્ષથી એ ટ્રેન્ડ જોવા મળે છે કે, દક્ષિણ ભારતના છેક છેવાડાના રાજ્ય તામિલનાડુથી મગફળી ખરીદવા વેપારીઓ અહીં જામનગર આવે છે. આ વર્ષે પણ આ વેપારીઓ જામનગર આવી પહોંચ્યા છે. તેમણે પ્રતિ મણ મગફળી રૂ. 1,780 ના ભાવે ખરીદી કરી છે.

તામિલનાડુના આ વેપારીઓ નિકાસ માટે તથા બિયારણ માટે આપણી આ બેસ્ટ મગફળી ખરીદે છે. આ મગફળીનું હવે તો તામિલનાડુમાં પણ વાવેતર અને ઉત્પાદન શરૂ થયું છે. જામનગર હાપા માર્કેટ યાર્ડ સૂત્ર જણાવે છે કે, દર વર્ષે તામિલનાડુના આ વેપારીઓ જામનગરથી આશરે 200 ટ્રક જેટલી બેસ્ટ મગફળીની ખરીદી કરતાં હોય છે. જેને કારણે જામનગર આસપાસના જિલ્લાઓમાં પણ જ્યાં બેસ્ટ મગફળી પાકી રહી છે, તેઓ વેચાણ માટે જામનગર આવી રહ્યા છે. જામનગરના વેપારીઓ અને માર્કેટ યાર્ડ તામિલનાડુના આ વેપારીઓને ખરીદી માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે.
દરમિયાન, જાણવા મળે છે કે- હાલમાં છેલ્લા ચારેક દિવસથી જામનગર યાર્ડમાં બધાં જ પ્રકારની મગફળીની આશરે 1,500 જેટલી ગુણીઓ આવી રહી છે. આગામી દશેરા બાદ જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી અને કપાસ સહિતની વિવિધ જણસીઓની આવક પુષ્કળ પ્રમાણમાં થશે. મગફળી સામાન્ય રીતે જીણી અને જાડી બે પ્રકારની હોય છે. જે પૈકી જીણી મગફળીની 66 નંબરની અને 9 નંબરની મગફળીની જાત બેસ્ટ અને દાણાબરની જોવા મળે છે. બાકીની એવરેજ મગફળી પિલાણબરની હોય છે, જેનું સીંગતેલ આપણાં ઘરે પહોંચતું હોય છે. સારી મગફળીના દાણા મોટેભાગે નિકાસ થઈ જતાં હોય છે. કેરીની માફક સારી મગફળીના નિકાસમાં ઉંચા ભાવ મળતાં હોય, સ્થાનિક બજારોમાં એવરેજ અને નબળો માલ લોકોના ઉપયોગ માટે બચતો હોય છે. જો કે છૂટક બજારમાં સારો માલ પણ ઉંચા ભાવથી મળી શકતો હોય છે.
