Mysamachar.in:અમદાવાદ
વેપાર ઉદ્યોગમાં ટ્રેડ માર્ક બહુ મોટી બાબત છે. ઘણાં કિસ્સાઓમાં આ અંગેના કાયદાનું ઉલ્લંઘન પણ થતું હોય છે. ઘણાં ધંધાર્થીઓ વચ્ચે વિવાદ પણ થતાં હોય છે. અને ઘણાં વિવાદો ટક્કર પણ બનતાં હોય છે. જો કે, વડી અદાલતે આ અંગે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. વડી અદાલતે એક મહત્ત્વનાં ચુકાદામાં કહ્યું છે કે, ટ્રેડ માર્ક ઉલ્લંઘન માટે રજિસ્ટ્રારનાં અભિપ્રાય વિના FIR થઇ શકે નહીં. ટ્રેડ માર્ક એકટની કલમ- 115(4)ની જોગવાઇ સ્પષ્ટ છે કે, તપાસનીશ અધિકારી કે જે ખોટી રીતે ટ્રેડ માર્ક લાગુ કરાયું છે અને વેપાર કરી રહ્યા છે એવી ફરિયાદ પર તપાસ કે સર્ચ કરી રહ્યા હોય તેમણે આવા સર્ચ માટે રજિસ્ટ્રારનો અભિપ્રાય લેવો જરૂરી બને છે.
ફરિયાદીને આવી ફરિયાદ દાખલ કરવાની સતા હોવાનું પણ પ્રસ્થાપિત કરવું પડે. અમદાવાદમાં ઓટોમોબાઈલનો ધંધો કરતાં એક વેપારી વિરુદ્ધ આ કેસ દાખલ થયો હતો. આ ફરિયાદનાં આધારે પોલીસે આ વેપારીને ત્યાં દરોડો પાડી માલ પણ સીઝ કર્યો હતો. બાદમાં આ વેપારીએ આધારપુરાવા સાથે અને કાયદાની વિવિધ કલમો ટાંકી હાઇકોર્ટમાં એવી રજૂઆત કરી કે, સામેની પાર્ટી કાયદાકીય પ્રક્રિયાનો દુરઉપયોગ કરે છે.
આ કેસમાં વડી અદાલતે કહ્યું : આ કેસમાં પર્યાપ્ત પુરાવા નથી. કાયદાકીય જોગવાઈનો પણ ભંગ થયો છે. આ પ્રકારનાં કેસની તપાસ એસપી અથવા તેને સમકક્ષ અધિકારી જ કરી શકે, હાલનાં કેસની તપાસ પીએસઆઇ કરી રહ્યા છે.