Mysamachar.in:જામનગર:
ખુદ ગાંધીનગરને પણ ખબર છે કે, રાજ્યના શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પરના ખાડા મતદાતાઓને નડે છે અને એક કરતાં વધુ વખત વડી અદાલતે પણ સરકારને રસ્તાઓ પરના ખાડા મુદ્દે ‘ઠમઠોરી’ છે. આમ છતાં જામનગર શહેરના નગરજનોએ હજુ આ તહેવારો પણ ખાડાવાળા રસ્તાઓ પર જ ઉજવવાના રહેશે, નક્કી થઈ ગયું છે. કારણ કે, મહાનગરપાલિકા રાહ જૂએ છે ઉઘાડની.
જામનગર શહેરમાં મોટાભાગના મુખ્ય માર્ગો અને આંતરિક રસ્તાઓની સ્થિતિ હાલના ચોમાસામાં, ઓછો વરસાદ છતાં, બદતર બની છે. ઠેરઠેર ખાડા છે. લાખો વાહનચાલકોએ આ પીડા સહન કરવી પડે છે, લાખો વાહનચાલકોએ વાહનોમાં નુકસાની સહન કરવી પડે છે, વાહન ચલાવતી વખતે માનસિક ત્રાસ સહન કરવો પડે છે, અને આ ખાડાને કારણે અકસ્માતો પણ થતાં રહે છે. આમ છતાં મહાનગરપાલિકાને ખાડા બૂરવાની જરાય ઉતાવળ નથી, નગરજનો તહેવારો ભલે ખાડાવાળા રસ્તાઓ પર ઉજવે !

મહાનગરપાલિકાના પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના નાયબ ઈજનેર રાજીવ જાની જણાવે છે કે શહેરમાં 200 સ્કવેર મીટર ક્ષેત્રફળના ખાડા એવા છે જે ગેરંટી પિરિયડમાં હોય, કોન્ટ્રાક્ટરના ખર્ચથી ત્યાં પેચવર્ક કરવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં રસ્તાઓ પૈકી 7,000 સ્કવેર મીટર ક્ષેત્રફળ એવું છે જ્યાં ગેરંટી પિરિયડ નથી, આથી આવા ખાડા પેચવર્ક દ્વારા નગરજનોના ખર્ચથી એટલે કે કોર્પોરેશનની તિજોરીના ખર્ચે બૂરવામાં આવશે.
આ આંકડા પરથી સમજી શકાય છે કે, ગેરંટી પિરિયડ વિનાના રસ્તાઓ બનાવતી વખતે લાલિયાવાડીઓ મોટાં પ્રમાણમાં આચરવામાં આવી છે, ત્યાં મોટા પ્રમાણમાં ખાડા જોવા મળે છે. અને, ગેરંટી પિરિયડવાળા રસ્તાઓ પરના ખાડાનું ક્ષેત્રફળ નાનું છે. જો કે મહાનગરપાલિકાના આ આંકડાઓ પણ આમ તો ઉપરછલ્લા સર્વેના આધારે તૈયાર થયેલાં હોય, કેમ કે સૌ જાણે છે શહેરમાં ખાડા અને ધોવાઈ ગયેલાં રસ્તાઓની સંખ્યા હજારોમાં છે, મહાનગરપાલિકા જ્યારે પણ થાગડથીગડ કરશે, અમુક રસ્તાઓ પર જ કરશે, એવું આ આંકડાઓ પરથી દેખાઈ રહ્યું છે. આટલું કામ કરવામાં દસેક લાખનો ધૂમાડો થઈ જશે, શ્રાવણ માસ અને તહેવારો પૂર્ણ થઈ જાય પછી, ભાદરવાના તડકામાં, મહાનગરપાલિકાની ભાષામાં, ઉઘાડ નીકળશે પછી ખાડા બૂરાશે, ખાડા બૂરવા ઈમરજન નામનું કેમિકલ ધરાવતા ઠંડા ડામરનો ઉપયોગ થશે, મતલબ નગરજનોએ તહેવારો તો ખાડાવાળા રસ્તાઓ પર જ ઉજવવાના રહેશે.