Mysamachar.in-જામનગર:
જામનગરમાં વ્યાજે આપેલાં લાખો રૂપિયા પરત વસૂલવા કેટલાંક શખ્સોએ, લાખો રૂપિયાની વ્યાજ વસૂલાત પછી પણ, બ્રાસપાર્ટ્સના એક કારખાનેદારનું અપહરણ કર્યું અને આ કારખાનેદારને જામનગર નજીકના એક ગ્રામ્ય વિસ્તારમાં એક ગોદામમાં 20 દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યા- એ મતલબની પોલીસ ફરિયાદ આ કારખાનેદારના પત્નીએ દાખલ કરાવી છે,
આ ચકચારી ફરિયાદની વિગત એવી છે કે, જામનગરના પટેલ પાર્ક મેઈન રોડ નજીક આવેલી ગોકુલ દર્શન સોસાયટીમાં શેરી નંબર 3 માં રહેતા સુધાબેન લાલજીભાઈ સવજીભાઈ મારકણા નામના મહિલાએ આજે સવારે 05-30 વાગ્યે આ મામલાની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે, જેમાં ધર્મેશ રાણપરીયા સહિતના કુલ પાંચ આરોપીઓના નામ જાહેર થયા છે. આ ગુન્હામાં ધર્મેશ રાણપરીયા ઉપરાંત આ મામલાના અન્ય 4 આરોપીઓના નામોમાં જેઠાભાઈ હાથલીયા, હરિશ ગંઢા, ઉપેન્દ્ર ચાંદ્રા તથા કિરીટ ગંઢાનો સમાવેશ થાય છે.
જે કારખાનેદારનું આરોપીઓએ અપહરણ કર્યાની ફરિયાદ છે તેના પત્ની સુધાબેને ફરિયાદમાં લખાવ્યું છે કે, તેણીના પતિ લાલજી સવજીભાઈએ બ્રાસપાર્ટ્સના કારખાનાના કામ માટે ઉપરોકત શખ્સો પાસેથી 10-12 ટકા વ્યાજે નાણાં લીધાં હતાં. લાલજીભાઈએ રૂ. 30 લાખ વ્યાજે લીધાં હતાં અને રૂ. 40 લાખ વ્યાજ ચૂકવી દીધું છે. અને બાદમાં તેઓ વ્યાજ ન ચૂકવી શકતા, ધર્મેશ રાણપરીયાએ ફરિયાદીના કારખાનેથી બ્રાસપાર્ટ્સના મશીનો બળજબરીથી લઈ લીધાં.
આ ઉપરાંત ફરિયાદમાં કહેવાયું છે કે, બાદમાં લાલજીભાઈનું અપહરણ કરી લોઠીયા ગામે લઈ જવામાં આવ્યા અને ત્યાં એક ગોડાઉનમાં 20 દિવસ સુધી પૂરી દેવામાં આવ્યા. વ્યાજના નાણાં બળજબરીથી કઢાવવા મારી નાખવાની ધમકી આપવામાં આવી. જેઠા હાથલીયાએ રૂબરૂ તથા ફોનમાં મારી નાખવાની ધમકી વારંવાર આપી. ઉપેન્દ્ર ચાંદ્રાએ લાલજીભાઈની XUV કાર બળજબરીથી લઈ લીધી છે. કિરીટ અને હરિશ ગંઢાએ ફરિયાદીના ભાણેજ વિરુદ્ધ ખોટો કેસ કર્યો છે અને વ્યાજ તથા મુદ્દલ રકમની પઠાણી ઉઘરાણી કરી છે. અસહ્ય માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકીઓને કારણે આ ફરિયાદી મહિલાના પતિ લાલજીભાઈએ આપઘાત કરી લેવા ઝેરી દવા પી લીધી હોવાનું પણ ફરિયાદમાં લખાયું છે.
પોલીસતંત્રના જણાવ્યા અનુસાર, ઝેરી દવા પી લેનાર લાલજીભાઈને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, તબિયત સારી છે અને લાલજીભાઈ હોશમાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ મામલાના મુખ્ય આરોપી વિરુદ્ધ થોડા મહિના અગાઉ પણ એક ફરિયાદ થયેલી.