Mysamachar.in-જામનગર:
આજે વિશ્વ હેરીટેજ દિવસ છે, ત્યારે જામનગર શહેરમાં કેટલીય એવી ઇમારતો છે જે રાજાશાહીના સમયની યાદોને જીવંત કરાવે છે, અને આજે પણ આવા સ્થળો નિહાળવા એક લ્હાવો છે, આવા બાંધકામો પૈકીનું એક એટલે કે આપણો ભુજીયો કોઠો…જેને જામ રણમલજીએ બંધાવેલ તે સમયની ૧૩૭ ફૂટની ઉંચાઈ ધરાવતી સૌરાષ્ટ્રની સૌથી ઉંચી ઈમારત એટલે ભુજીયો કોઠો હતો, અગાઉ આ કોઠાનો ઉપયોગ ‘હેલિયોગ્રાફી’ પ્રકારના સંદેશા મોકલવાના કેન્દ્ર તરીકે થતો હતો ભુજીયા કોઠાના નિર્માણમાં જે તે સમયે ૧૩ વર્ષનો સમય લાગ્યો હતો હાલ અંદાજે રૂ.૨૩ કરોડના ખર્ચે ૧૭૩ વર્ષ જુના ભુજીયા કોઠાના રેસ્ટોરેશનનું કામ ચાલુ છે,
ખંભાળિયાના દરવાજાથી ઉત્તરે ગઢની દીવાલ વચ્ચે તળાવના દક્ષિણ કિનારા પર વિરાટ અને ભવ્ય ભુજીયો કોઠો અતીતની યાદ સંઘરીને ઊભો છે. જામ રણમલજી બીજાના સમયમાં જામનગરમાં દુષ્કાળ પડયા હતા, તે દરમિયાન પ્રજાને રોજીરોટી આપવા તથા જળસંચયના હેતુથી જામ રણમલજીએ કેટલાંક બાંધકામ કરાવ્યા હતા. તેમાંથી એક છે ભુજીયો કોઠો. ઇ.સ.૧૮૩૯ થી ૧૮૫૨ વચ્ચે ગોળ બાંધણીવાળા કલાત્મક અને આકર્ષક ભૂજીયા કોઠાનું બાંધકામ થયેલ. આમ ભુજીયો કોઠો બંધાતા ૧૩ વર્ષનો સમય લાગ્યો હતો.
એવું માનવામાં આવે છે કે જામનગર અને ભુજના રાજા ભાઈઓ હતા જેમણે લગભગ 300 કિમી દૂર પોતાના રાજ્યો સ્થાપ્યા હતા. તેમણે શહેરોની રચના પણ એ જ રીતે કરી હતી. ભુજિયો કોઠો કદાચ જામનગરથી ભુજ જવાના ગુપ્ત માર્ગનું પ્રવેશદ્વાર હતું. તેથી તેનું નામ ભુજીયો કોઠો હોવાનું માનવામાં આવે છે.

બાંધકામની દ્રષ્ટિએ ભુજિયો કોઠો તેના ઘેરાવા અને ઊંચાઈના કારણે અજોડ છે. ૧૩૭ ફૂટની ઉંચાઈ ધરાવતું આ સ્ટ્રક્ચર તે સમયે સૌરાષ્ટ્રની સૌથી ઉંચી ઐતિહાસિક ઈમારત હતી. કોઠાના બાંધકામમાં કુલ ચાર લાખ પચીસ હજાર કોરીનું ખર્ચ થયું હતું. આ કોઠાનો ઉપયોગ ‘હેલિયોગ્રાફી’ પ્રકારના સંદેશા મોકલવાના કેન્દ્ર તરીકે થતો હતો. ભુજીયો કોઠો પાંચ માળનો છે. ૬૬ પગથીયાઓ ચડ્યા બાદ પ્રથમ માળે પહોચી શકાય છે. ભુજીયાકોઠામાં સિંહદ્વાર ઉપરાંત કાષ્ઠ થાંભલાની હાર અને મકરા કૃતિ કમાનોથી સુશોભિત ડાયમંડ અને લુમાઓના શણગાર સુશોભિત રંગમંડપ, સુંદર પડસાળ, ચોતરફ વર્તુળાકારે ફરતી અટારી આવેલી છે. ભુજીયા કોઠા પરથી નજર કરતા શહેરનું મનોહ૨ દૃશ્ય દેખાય છે.
આ ભવ્ય ઈમારતને ૧૭૩ જેટલા વર્ષો થયા છે. હાલ અંદાજીત રૂ.૨૩ કરોડના ખર્ચે તેનું રેસ્ટોરેશનનું કામ ચાલુ છે. જે “વિકાસ ભી, વિરાસત ભી સુત્રને સાર્થક કરે છે. આ કામગીરીમાં ઉપરના ત્રણ માળનું રી-પ્રોડકશન વર્ક, સી આકાર ભાગનું રી-પ્રોડકશન વર્ક, ભુજીયા કોઠા સ્થાપત્યને ફોર્ટ વોલ પર ખંભાળિયા ગેઈટ તરફ આવતી ફોર્ટ વોલ સાથે જોડવા માટે નાશ પામેલ ભાગનું રી-પ્રોડકશન વર્ક, ઉપરના ત્રણ માળને જોડતા પેસેજનું રી-પ્રોડકશન વર્ક, બીજા માળ પર નાશ પામેલ રાઉન્ડ ગેલેરીનું રી-પ્રોડકશન વર્ક, સ્થાપત્યના તમામ બારી અને દરવાજાનું કન્સોલિડેશન વર્ક, લાકડાની છતનુંરી-પ્રોડકશન વર્ક, હયાત સ્ટોન સ્ટેરનું રેસ્ટોરેશન વર્ક, સ્થાપત્યના અંદર અને બહારના તમામ ભાગોનું રેસ્ટોરેશન વર્ક, બીજા માળ અને ઉપરના ભાગને જોડતી સીડીનુંરી-પ્રોડક્શન વર્ક, પ્રથમ માળ પર આવેલ મુરતીઓનું રી-પ્રોડકશન વર્ક, સ્થાપત્યનું તમામ ઈલેક્ટ્રીફીકેશન, કેબલિંગ, લાઈટીંગ, સી.સી.ટી.વી., સાઉન્ડ સીસ્ટમ, ઈન્ટરકોમ, સ્થાપત્યમાં લોક સુવીધા માટે ટોઇલેટ બ્લોક બનાવવાનું કામ., હયાત ફ્લોરિંગનું ડીસમેન્ટલિંગનું કામ તેમજ ફ્લોરિંગને લાઈમ સ્ટોન ફ્લોરિંગ કરવાનું કામ, છેલ્લા માળ ઉપર હેલીઓગ્રાફી યંત્ર ડિસ્પ્લેમાં મુકવાના કામનો સમાવેશ થાય છે.
ભુજીયા કોઠાના રેસ્ટોરેશનની કામગીરી હાલ ચાલુ છે. પ્રથમ તબ્બ્કાનું કામ જુન-૨૦૨૫ પહેલા પૂર્ણ થઇ જશે. તથા બીજા તબ્બ્કાનું કામ અંદાજે વર્ષ ૨૦૨૫ના અંતમાં પૂર્ણ થશે તેમ જામનગર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાનીએ જણાવ્યું છે.
-જાણો શા માટે ઉજવવામાં આવે છે વર્લ્ડ હેરીટેજ ડે ?
આપણી ભવ્ય વિરાસતોની જાળવણી અને રક્ષણ કરવું એ દરેક નાગરિકની ફરજ છે. વિશ્વ ધરોહર દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વભરની ઐતિહાસિક ઇમારતો, સ્મારકો અને પુરાતત્વીય સ્થળોને બચાવવાનો છે. જેથી કરીને આવનારી પેઢીઓ માટે આ વારસાને સાચવી શકીએ. આ દિવસનો ઉદ્દેશ્ય વિશ્વની વિરાસત અને વિવિધતાને લોકો સુધી પહોંચાડવાનો છે. વર્લ્ડ હેરિટેજ ડે ના દિવસે લોકોને વારસા વિશે જાગૃત કરવામાં આવે છે. જેથી કરીને ઐતિહાસિક સ્થળોને સુરક્ષિત કરી શકાય. વિશ્વ ધરોહર દિવસ દર વર્ષે 18 એપ્રિલે ઉજવવામાં આવે છે.