Mysamachar.in-જામનગર:EXCLUSIVE
જામનગર મહાનગરપાલિકાએ નાણાંકીય વર્ષ 2019-20 ના અંદાજપત્રમાં સૂચવેલા 237.49 કરોડના કામમાંથી એક વર્ષ બાદ પણ ફકત અમુક કામ જ શરૂ થતાં શહેરના વિકાસને બ્રેક લાગી છે.ગોકળ ગાયની ગતિએ કામગીરીથી મોટા ભાગના કામ ટેન્ડર અને કન્સલ્ટન્સી સ્તરે પહોંચ્યા બાદ ખોરંભે ચડતા મોટા ઉપાડે કરવામાં આવતા શહેરના વિકાસના દાવાની પોલ ખૂલી છે.એવામાં જયારે આજે મનપાનું વધુ એક બજેટ રજુ થશે, તે પણ દીવાસ્વપ્ન બની રહે તેવું ના હોય તો શહેરીજનોના હિતમાં ગણાશે…
નવાઇની વાત તો એ છે કે,બજેટમાં સૂચવેલા વિકાસના 17 જેટલા કામમાંથી ફકત જુજ કામ શરૂ થયા છે.જેમાં 1 કરોડ લીટર ક્ષમતાનો સમ્પ બનાવવાનું કામ તથા ખીજડીયા ખાતે જુના ફિલ્ટર પ્લાન્ટને રૂ.10.04 કરોડના ખર્ચે રીનોવેશનની કામગીરીનો સમાવેશ થાય છે.જયારે 16 કામમાં થી અમુકના ટેન્ડર બહાર પડયા છે, તો અમુક કામના કન્સલટન્સી સ્તરે પહોંચ્યા બાદ આગળ વધ્યા નથી.જેના કારણે મનપાના સતાધીશો અને અધિકારીઓના વિકાસના દાવાની પોલ ખોલી ખૂલી છે.
સમગ્ર શહેરમાં ભૂગર્ભ ગટર નેટવર્ક ઉભું કરવા બજેટમાં શહેરના બાકી રહેતાં વિસ્તારોમાં રૂ.46.97 કરોડના ખર્ચે પાઇપલાઇનના કામ, સીવેજ પમ્પીંગ સ્ટેશનમાં 4.25 કરોડના ખર્ચે ઓગ્મેન્ટેશનનું કામ, ઢીંચડા તથા ઝોન એન1 અને 2 માં 10.57 કરોડના ખર્ચે સીવર કલેકશન પાઇપ લાઇનના કામ, બેડી તથા નવાગામમાં 10.04 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર નેટવર્કનું કામ, ગઢની રાંગની અંદર 6 કરોડના ખર્ચે પાઇપ, ગટરના કામ જુલાઇ-2020 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેવો દાવો બજેટમાં કરવામાં આવ્યો છે.પરંતુ આ તમામ કામ પ્લાનીંગ સ્ટેજે પહોંચ્યા છે અને હવે ટેન્ડર બહાર પડશે.આથી સમય મર્યાદા સુધીમાં પૂર્ણ કેમ થશે તે એક સવાલ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા બજેટમાં સૂચવવામાં આવેલા મોટા ભાગના વિકાસ કાર્યો ગ્રાન્ટ આધારિત હોય રાજય સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણીમાં વિલંબના કારણે ગોકળ ગાયની ગતિએ કામ થઇ રહ્યા છે. વળી પુરતી ગ્રાંટ લાવવામા મનપાના નેતાઓ વામણા પુરવાર થઇ રહ્યા છે,
બીજી બાજુ જામ્યુકોમાં સમ ખાવા પૂરતા એક માત્ર સીટી એન્જીનીયર હોય બાકીના એકઝીકયુટીવ ઇજનેરોની જગ્યા ખાલી હોવાથી સ્ટાફના અભાવના કારણે પણ વિકાસ કાર્યો ખોરંભે ચડયા છે. જોકે, બજેટ રજૂ કરાયાને 9 માસ જેટલો સમય વીતિ જવા છતાં આ મામલે કોઇ નેતા કે અધિકારીએ ગ્રાન્ટ માટે ફોલોઅપ સુધ્ધા કર્યું નથી તે ગંભીર બાબત છે.
-શહેરમાં ત્રણેય સ્વિમિંગ પૂલના કામ અધ્ધરતાલ
જામ્યુકોએ બજેટમાં શહેરમાં ત્રણ સ્થળોએ નવા સ્વીમીંગ પુલ બનાવાનું સૂચવ્યું હતું.પરંતુ એક પણ સ્વીમીંગ પુલનું કામ તો દૂરની વાત ટેન્ડર પણ બહાર પડયું નથી.આટલું જ નહીં ભારત સરકારની કોસ્ટ શેરીંગ બેઝીસ યોજના અન્વયે જામ્યુકોમાં સમાવિષ્ટ તળાવ પૈકી નાધેડી પાસે આવેલું લહેર તળાવ અને ધુંવાવ પાસે આવેલા તળાવના કામમાં કન્સલ્ટનટને વર્કઓર્ડર સુધી કામગીરી પહોંચી છે.
-બજેટમાં સમાવિષ્ટ જાહેર સુખાકારી અને સમૃધ્ધિના અનેક કામ હજુ શરૂ થયા નથી
તો વળી રૂ.20 કરોડના ખર્ચે નવું સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવાના કામમાં ડીપીઆર બનાવી સરકારમાં મોકલવામાં આવ્યો છે,ગ્રાન્ટ મળતા ટેન્ડર બહાર પાડવામાં આવશે. રણજીતસાગર રોડ પર કોઝ-વેની બાજુમાં 3.50 કરોડના ખર્ચે સ્મશાન ગૃહ બનાવવાના કામમાં કલેકટરના હુકમ બાદ મનપાએ નાણાંની ભરપાઇ કરતા ડીએલઆર દ્વારા જમીન માપણી કરવામાં આવશે. શહેરમાં પીપીપી ધોરણે નવી 10 સીએનજી બસ શરૂ કરવામાં ચોથા પ્રયત્ને ભાવ આવતા મંજૂરી અર્થે દરખાસ્ત કરાઇ છે. બેડી જંકશન થી સમર્પણ સર્કલ સુધી રૂ.16 કરોડના ખર્ચે રીંગ રોડ વાઇડનીંગના કામનું ફકત ટેન્ડર બહાર પડયું છે. લાલપુર રોડ કિર્તી પાનથી મયુર ગ્રીન્સ થઇ હર્ષદ મીલની ચાલી ડી.પી.રોડ ક્રોંસીગ સુધીનો ફોર ટ્રેક સી.સી.રોડ અન્ડર ડ્રેનજ,સીવીર ડ્રેનેજ,સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ સહિતના રૂ.10.20 કરોડના કામમાં ફકત રૂ.1.90 કરોડના કામનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે,બાકી ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે. લોકભાગીદારી અંતર્ગત રૂ.30 કરોડના ડામર, સીસી રોડના કામોમાં રૂ.40 કરોડની ગ્રાન્ટની માંગણી રાજય સરકાર પાસે કરવામાં આવી છે.કોઇ કામ શરૂ થયા નથી.






