Mysamachar.in:ગાંધીનગર
જે પરિવારો પ્રથમ વખત ઘર ખરીદી રહ્યા છે અથવા જૂનું અને નાનું ઘર વેચી નવું અને મોટું ઘર ખરીદવા ચાહે છે તેઓ કેટલાંક મહિનાઓથી ચિંતાઓમાં છે કેમ કે બેંક લોન મોંઘી થઈ રહી છે, બેંકોએ EMI ઉંચા વ્યાજદરને કારણે વધારી દીધાં છે. અને EMIમાં વધારો બધાંના બસની વાત નથી હોતી કેમ કે બીજી તરફ મોંઘવારી પણ વધી રહી છે તેથી મકાનોની કિંમત અને લોન પણ મોટી થતી રહી છે જેની સીધી અસર બિલ્ડર અને ડેવલપરના બિઝનેસ પર થઈ રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં લઈ બિલ્ડર અને ડેવલપર હવે નવો દાવ રમી રહ્યા છે. પોતાના બિઝનેસને બુસ્ટ કરવા તેઓ ઈચ્છે છે કે, સરકાર નવું ઘર ખરીદવા ઈચ્છતા લોકોને હોમલોન વ્યાજ પર સબસિડી આપે.
અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના(અર્બન) 2022માં પૂર્ણ થઈ ગઈ છે. તેથી બિલ્ડર અને ડેવલપર સંગઠન કેન્દ્ર સરકારને કહે છે કે, જે લોકો રૂપિયા 75 લાખ સુધીની કિંમતના ઘર પ્રથમ વખત ખરીદી રહ્યા હોય તેઓને હોમલોન વ્યાજમાં સબસિડી આપવામાં આવે અને આ સબસિડીનો બોજ કેન્દ્ર સરકાર ઉઠાવે.
ક્રેડાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ તેજસ જોષી કહે છે: વ્યાજદર વધવાથી હોમલોન મોંઘી થઈ છે અને તેને કારણે છેલ્લા એક વર્ષ દરમિયાન લોકોની નવું ઘર ખરીદવાની ક્ષમતા ઘટી છે. ખાસ કરીને જેઓ રૂપિયા 75 લાખ સુધીની કિંમતના ઘરો ખરીદવા ઈચ્છે છે તેઓને વધતો વ્યાજદર સહન કરવો અઘરો છે. તેથી તેઓ ખરીદીનો નિર્ણય કરવામાં વિલંબ કરી રહ્યા છે. અગાઉ વ્યાજદર નીચા હતાં ત્યારે લોકોએ પુષ્કળ હોમલોન લીધી હતી. તેજસ જોષી કહે છે: આ વર્ગને ખાસ કિસ્સા તરીકે વ્યાજ સબસિડી આપવામાં આવે તો આ વર્ગની ખરીદી નીકળે અને રિઅલ એસ્ટેટમાં ડિમાંડ દેખાઈ શકે. પાછલાં કેટલાંક વર્ષ દરમિયાન ઘરખરીદીની ક્ષમતા 2.25 ટકા જેટલી ઘટી છે કેમ કે કોરોનાકાળ પછી લોનના વ્યાજદરમાં 14.4 ટકા જેટલો બોજો વધી ગયો છે. બેંકોના હોમલોન EMI ખૂબ વધી ગયા છે.