Mysamachar.in-અમદાવાદ:
કોઈ પણ વ્યક્તિ ભૂખે મરતી હોય અથવા કુપોષણથી પિડાતી હોય તો તેનો ભૂખમરો દૂર કરવા ‘રોટલાનો ટૂકડો’ તેને આપવો, એ સમસ્યાનો કાયમી ઉકેલ નથી. એ વ્યક્તિનું આર્થિક સશક્તિકરણ કરવામાં આવે, તેને સારી રીતે રોજગાર આપવામાં આવે તો, તે વ્યક્તિ પોતાની રીતે નાણાંથી પોષણ ખરીદી શકે અને સરકાર કુપોષણ દૂર કરવાની જવાબદારીઓમાંથી મુક્ત થઈ શકે. ભૂખમરો કાયમી દૂર કરવાનો ખરો ઉપાય આ છે. સરકારે સૌને રોજગારી પૂરી પાડવી જોઈએ. અત્રે ઉલ્લેખનિય છે કે, સમૃધ્ધ લેખાતાં ગુજરાતમાં બેરોજગારી અને ભૂખમરો મોટી રેન્જમાં છે, આ કલંક લેખાવી શકાય.ખુદ કેન્દ્ર સરકારના નીતિ આયોગનો રિપોર્ટ કહે છે: ગુજરાતમાં ભૂખમરો મોટાં પ્રમાણમાં છે. સમગ્ર દેશમાં ભૂખમરા સૂચકાંકમાં 25મા ક્રમે છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે.
અત્રે ઉલ્લેખનિય છે, આ બાબતમાં સરકાર દિશાવિહીન છે અને તંત્રો ભ્રષ્ટ છે. ગુજરાતમાં કુપોષણ અને ભૂખમરો સતત વધી રહ્યા છે. બાળકો અને સગર્ભાઓના પોષણ પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, એમ સરકાર કહે છે. તેની સામે પ્રશ્ન એ છે કે, આ કરોડો રૂપિયા જાય છે ક્યાં ? કુપોષણ અને ભૂખમરો વધે છે શા માટે ?!
કેન્દ્ર સરકારનો એસડીજી રિપોર્ટ કહે છે: 5 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા 40 ટકા જેટલાં બાળકોના શરીરની વૃદ્ધિ એટલે કે વિકાસ અપૂરતો છે. તેમને પોષણ મળતું નથી. 15થી 49 વર્ષની 62.5 ટકા સગર્ભા પોતાના શરીરમાં પૂરતું લોહી ધરાવતી નથી. 2018-19ની સરખામણીએ હાલ ઓછાં વજનવાળા અને અપૂરતા વિકાસવાળા બાળકો અને ઓછું લોહી ધરાવતી મહિલાઓની સંખ્યા વધી છે, જે ખૂબ ગંભીર બાબત છે.
કેન્દ્ર સરકારનો રિપોર્ટ કહે છે, ભૂખમરા સામેની લડાઈમાં ઓડિશા અને મધ્યપ્રદેશ જેવા રાજયોથી પણ ગુજરાત પાછળ છે. ગુજરાતમાં દર 12 લાખ જન્મ પૈકી 30,000 બાળકોના જન્મ સમયે કુપોષણને કારણે મોત થાય છે. રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં સરકારી ચોપડે 7.15 લાખ બાળકો કુપોષિત છે. વિપક્ષ કહે છે: જાહેર હિતને બદલે જાહેરાતોમાં રાચતી ગુજરાત સરકાર નવજાત બાળકો અને ગર્ભવતીઓને સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડી છે.(file image source:google)