Mysamachar.in:જામનગર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ, તમામ રાજકીય પક્ષોનાં નેતાઓ અને કાર્યકરો ચૂંટણી પૂર્વેની તૈયારીઓમાં રાતદિન વ્યસ્ત છે. બીજી બાજુ લગ્નસરાની મોસમ શરૂ થઈ રહી છે. એમાં પણ ડિસેમ્બર મહિનામાં લગ્નોના એક કરતાં વધુ મૂહુર્ત હોવાથી સમગ્ર નવેમ્બર દરમિયાન મોટાભાગના પરિવારો સ્વજનો-પરિચીતોના લગ્નોની તૈયારીઓમાં પણ રોકાયેલાં હોય છે. પુષ્કળ લગ્ન સમારોહો યોજાવાના છે કેમ કે, પાછલાં બે વર્ષ દરમિયાન કોરોનાકાળને કારણે લાખ્ખો લોકો લગ્ન સમારોહ યોજી શક્યા ન હતાં, માણી શક્યા ન હતાં. તેથી આ વર્ષે સૌ લગ્નો માણવાનો અનેરો ઉમંગ ધરાવે છે.
એક અંદાજ મુજબ, આ વર્ષે ગુજરાત માં લગભગ 35,000 કરતાં વધુ લગ્ન સમારોહો યોજાવાના છે! એક સમારોહમાં અંદાજે 400-500 મહેમાનો ગણો તો પણ આ આંકડો લાખોમાં પહોંચી જાય ! એક તરફ આટલાં બધાં લોકો લગ્નોની તૈયારીઓમાં વ્યસ્ત છે અને બીજી તરફ ચૂંટણી જાહેર થતાં, રાજકીય ક્ષેત્રે સક્રીય હોય એવાં હજારો નેતાઓ, આગેવાનો અને કાર્યકરો મીઠી મૂંઝવણ અનુભવી રહ્યા છે કે, આ બંને મહત્વનાં પ્રસંગો માટે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું ?!
ખાસ કરીને, 2,4અને 8 ડિસેમ્બરની તારીખોમાં લગ્નના પુષ્કળ શુભ મૂહુર્ત હોવાથી સ્વાભાવિક રીતે જ, લાખ્ખો લોકો આ મહિનામાં લગ્નોની તૈયારીઓમાં રોકાયેલાં હોય. એમાં પણ ખાસ કરીને, સૌરાષ્ટ્રમાં લગ્ન સમારોહોનુ મહત્વ વિશેષ હોય છે. લોકો એક એક લગ્ન સમારંભમાં બેત્રણ થી માંડીને પાંચ પાંચ દિવસ સુધી રોકાયેલા રહેતાં હોય છે. અને, લગ્નો પહેલાંની ખરીદીનાં દિવસો અલગ ! આ પ્રકારની સ્થિતિને કારણે રાજકીય પક્ષો, આગેવાનો અને ઉમેદવારો ભારે તણાવ અનુભવી રહ્યા છે