Mysamachar.in-જામનગર:
કોઈ પણ વિસ્તાર માટે દરિયો એક આશીર્વાદરૂપ કુદરતી વ્યવસ્થા અને સૌંદર્ય તો છે જ, પરંતુ સાથેસાથે આ જ દરિયાને કારણે કાંઠાળ વિસ્તારોમાં અનેક ઉપાધિ પણ હોય છે. દરિયાઈ ભરતીઓ કિનારાના વિસ્તારોને ખલાસ કરી નાંખે છે, ઉપરાંત જમીનોનું ખવાણ-ધોવાણ થઈ જતું હોય છે, ખેતીને પણ નુકસાન થતું હોય છે અને દરિયાને જમીન તરફ આગળ વધતો અટકાવવો એ પણ મોટી સમસ્યા છે. દરિયાઈ વિસ્તારોમાં ભૂગર્ભજળનું દૂષિત થવું- એ પણ મોટી ચિંતા છે. હાલારના દરિયાકિનારે પણ આ બધી સમસ્યાઓ મોં ફાડીને ઉભી છે. સમગ્ર રાજ્યમાં આ ચિંતાઓ છે.
એક અભ્યાસ જણાવે છે: 1990થી 2018, આ 28 વર્ષ દરમિયાન ગુજરાતમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં, આશરે 537.5 કિલોમીટર દરિયાકિનારે જમીનોનું પુષ્કળ ખવાણ-ધોવાણ થયું. અને, રાજ્યના કુલ 449 ગામડાંઓ આ દરિયાઈ સમસ્યાઓની નુકસાની સહન કરી રહ્યા છે. આ તમામ ગામડાંઓમાં ખેતીની જમીનને મોટું નુકસાન થઈ ગયું. આ ગામડાંઓના ભૂગર્ભ જળમાં ક્ષાર ઘૂસી ગયો. પીવાલાયક પાણીની સમસ્યાઓ અને ચામડીના રોગ સહિતના કેટલાંક રોગોની ચિંતાઓ પણ જોવા મળે છે.
1990માં ગુજરાતના દરિયાકિનારાની લંબાઈ 1945.60 કિલોમીટર હતી. આ 28 વર્ષ દરમિયાન 537.5 કિલોમીટર દરિયાકિનારાની જમીનો ખવાણ-ધોવાણ અને ભરતીઓને કારણે દૂષિત થઈ ગઈ. હાલમાં માત્ર 1030 કિલોમીટર દરિયાઈ કિનારો (53%) એવો છે જ્યાં કોઈ સમસ્યાઓ નથી. દરિયાઈ ભરતીઓ વગેરેથી બચવા દરિયાકિનારે રક્ષણ દીવાલો બનાવવી બહુ જરૂરી હોય છે પરંતુ આવી દીવાલો યુધ્ધના ધોરણે ચણવામાં આવતી નથી. આ ઉપરાંત દરિયાકિનારે જમીનમાં ક્ષારને આગળ વધતો અટકાવવા બંધારા અને પાળા તથા દરિયાઈ ટેકરીઓ પુષ્કળ પ્રમાણમાં બનવા જોઈએ, જે ઝડપથી બનાવવામાં આવતાં નથી. દરિયાકિનારે ચેરના વૃક્ષોનું વાવેતર મોટાં વિસ્તારોમાં કરવું જોઈએ.
ચેરની સ્થિતિઓ જોઈએ તો: ગુજરાતમાં 1991માં 397 ચોરસ કિલોમીટર જમીન પર ચેર વૃક્ષો હતાં. 2021ના આંકડા મુજબ આ વાવેતર અને ઉછેર 1175 ચોરસ કિલોમીટર જમીન પર થયો. જો કે પાછલાં 3 વર્ષ દરમિયાન રાજ્યમાં ચેર વાવેતર અને ઉછેર વિસ્તાર ઘટ્યો. ગુજરાત સરકારે દરિયાઈ વિસ્તારોની સમસ્યાઓ નિવારવા કેન્દ્ર સરકાર પાસે કુલ રૂ. 1,250 કરોડની ડિમાંડ કરી છે. રાજ્ય સરકાર આગામી સમયમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દરિયાઈ ભરતીઓથી રક્ષણ માટે દીવાલ બનાવવાની ગતિવિધિઓ તેજ કરવા વિચારણા કરી રહી છે, આ ઉપરાંત ક્ષાર અંકુશ વિભાગને પણ સરકાર વધુ એક્ટિવ કરવા ચાહે છે, એમ સૂત્ર જણાવે છે.