Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં ૨૬ લોકસભાની બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈને દિલ્હી ખાતે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં આજે મનોમંથન ચાલી રહ્યું છે અને આજે સાંજ કે આવતીકાલ સુધીમાં યાદી પ્રસિદ્ધ કરવાની સંભાવના પર સૌ કોઇની મીટ મંડાઇ છે. ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ‘નો રિપીટ થિયરી’ અંતર્ગત ૧૦ થી વધુ વર્તમાન સાંસદોની ટીકીટ કાપવા વિચારણા ચાલી રહી છે અને અંદાજે ૧૫ સાંસદોને ફરીથી ટીકીટ આપવા પર વિચારણા ચાલી રહી હોવાનું ભાજપના સૂત્રો જણાવે છે,

મળતા અહેવાલો મુજબ આ સાંસદોની ટિકીટ કપાય તેવી શક્યતાઓ છે જેમાં વડોદરા, છોટા ઉદેપુર, વલસાડ, સુરત, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમરેલી, પોરબંદર, અમદાવાદ પૂર્વ સમાવેશ થાય છે. જયારે જુનાગઢ, કચ્છ , બનાસકાંઠા અને સુરેન્દ્રનગર બેઠક એવી છે કે જ્યાં જો યોગ્ય જ્ઞાતિગત સમીકરણ અનુસાર જો ઉમેદવાર મળશે તો નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે, નહિ તો વર્તમાન સંસદને ફરીથી રિપીટ કરવામાં આવશે, જ્યારે ૧૧ સાંસદોની રીપીટ કરવામાં આવશે, તે પણ નિશ્વિત માનવામાં આવે છે. જેમાં નવસારી, બારડોલી, દાહોદ, ખેડા, આણંદ, ભરુચ, પંચમહાલ, જામનગર, ભાવનગર, રાજકોટ, અમદાવાદ પશ્ચિમ બેઠકના સાંસદોનો સમાવેશ થાય છે,

આમ ભાજપ ‘નો રિપીટ થિયરી’માં વધુ માને છે. ત્યારે આ વખતે લોકસભાની ચુંટણીમાં ખરાખરીનો જંગ હોય સત્તા હાંસલ કરવા માટે ભાજપ તનતોડ મહેનતમાં લાગી ગયું છે અને જીતી શકે તેવા ઉમેદવાર પર ભાર મૂકીને તમામ પાસાઓ વિચારી સાંસદોની કામગીરી, લોકપ્રિયતા, લોકસંપર્ક, જ્ઞાતીના સમીકરણ વગેરેના આધારે મોટાભાગના સાંસદોને ફરીથી ટિકિટ આપવામાં આવે તેવું લાગી રહ્યું છે.
