Mysamachar.in-ગાંધીનગર:
કોઈ પણ કાયદાનું જ્યારે ચણતરકામ કે ઘડતરકામ થઈ રહ્યું હોય, ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો હોય, ધારાગૃહ(વિધાનસભા કે સંસદ)માં એ બિલ પેશ થવાની ઘડીઓ ગણાઈ રહી હોય ત્યારે, આ બધાં જ તબક્કાઓ દરમ્યાન સંબંધિત કાયદો કેટલો ઉપયોગી પૂરવાર થશે? અને તેનાથી કેટલાં લોકોને શું શું ફાયદા થશે? અને, શાસનમાં તે કાયદાના અમલથી કઈ સારી બાબતો ઉમેરાશે? તેની ચર્ચાઓ મધમીઠી પદ્ધતિએ થતી હોય છે. જો કે જાણકારો આ સમયે જ સૂચિત કાયદાની સંભવિત (આડ)અસરો અંગે પણ મત વ્યક્ત કરતાં હોય છે.
આમ વધુ એક વખત બનવા જઈ રહ્યું છે. ગુજરાત સરકાર વિધાનસભામાં એક એવું બિલ લાવી રહી છે, જે 500 જેટલાં નાના ગુનાઓમાં ‘સજા’ નાબૂદ કરશે અને તેના સ્થાને ‘દંડ’ લાવશે. સરકારનો મત એવો છે કે, આ પગલાંથી લાખો લોકોને લાભ થશે. કનડગત ઘટશે. વાતાવરણમાં ભયની જગ્યાએ વિશ્વાસનો જન્મ થશે. પરંતુ જાણકારોના મતે, દરેક સિક્કાને બે બાજુ હોય છે. આ બિલથી સજાનો ભય ઘટતાં અમુક લોકો દંડ ભરી, ગુનામાંથી છટકી જવાના પેંતરા ઘડશે, તેનું શું ? દંડના પૈસા ફેંકી, કાયદાઓ તોડવાના તમાશા કરવાની માનસિકતા જોવા મળશે તો ?! આમ આ નવા સૂચિત કાયદાના અમલ બાદ જ વાસ્તવિક અસરો બહાર આવે એમ પણ બની શકે.
-‘શું છે સરકારનું જનવિશ્વાસ બિલ?’
રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતના હવાલાથી એક રિપોર્ટમાં કહેવાયું છે કે, વ્યાપારના સરળીકરણના સંદર્ભમાં આ બિલ રજૂ થઈ રહ્યું છે. જેમાં નાના ગુનાઓમાં હવે સજાને બદલે દંડ અથવા પેનલ્ટી કરવામાં આવશે. સરકારના અલગ-અલગ 11 વિભાગમાં આશરે 500 જેટલાં નાના ગુનાઓ બદલ હવે સજાની જગ્યાએ દંડ થશે. સરકારનો દાવો છે કે, આથી અદાલત-પોલીસ અને જેલવિભાગમાં કામભારણ ઘટશે.
-કયા કયા વિભાગોમાં આ બિલની જોગવાઈઓ લાગુ પડી શકશે ?..
આ બિલ ગુજરાત સહકારી મંડળી, ખેત ઉત્પાદન અને ખરીદ વેચાણ, નગર રચના અને શહેરી વિકાસ, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ, ઔદ્યોગિક વિકાસ, વિદ્યુત શુલ્ક એમ કુલ 11 વિભાગોમાં આ કાયદો લાગુ થશે. ધંધાકીય રોકાણકારોમાં સરકારી વિભાગો પ્રત્યે વિશ્વાસ વધારવા આ સુધારાઓ કરવામાં આવ્યા છે અને એથી આ બિલને જનવિશ્વાસ બિલ એવું નામ આપવામાં આવ્યું છે.